વાઘોડિયાની ચકચારી ચોરીમાં જરોદના કોન્સ્ટેબલની ધરપકડ
જરોદના કોન્સ્ટેબલ ચિરાગને કોર્ટમાં રજૂ કરી એક દિવસનો રિમાન્ડ મેળવતી પોલીસ
વડોદરા, તા.16 વાઘોડિયામાં બે માસ પહેલાં એક દુકાન અને ઘરમાંથી લાખો રૃપિયાના સોના-ચાંદીના દાગીના તેમજ અન્ય મુદ્દામાલની ચોરીના ચકચારભર્યા પ્રકરણમાં આખરે જરોદ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલની પણ સંડોવણી બહાર આવતા પોલીસે તેની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા છે.
આ અંગેની વિગત એવી છે કે તા.૧૧થી ૧૩ એપ્રિલ દરમિયાન વાઘોડિયા બજારની એક દુકાન તેમજ દુકાનની ઉપરના ઘરમાં રૃા.૨૭.૫૦ લાખ કિંમતની ચોરી થઇ હતી. આ ચોરીની ઘટના અંગે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતાં જિલ્લા એલસીબી અને સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં પોલીસે એક કારના નંબરના આધારે રાકેશ સતિષ ચૌહાણ, ફિરોજ ઉર્ફે સલીમ દાઉદ કાજી અને હાજી મહંમદ ઘાંચીની ધરપકડ કરી હતી જ્યારે રાજસ્થાનનો એક શખ્સ ફરાર હતો.
પોલીસ તપાસમાં ચોરીનો મુદ્દામાલ જરોદના કોન્સ્ટેબલ ચિરાગ મુકેશ જિજુંવાડીયાએ રાખ્યો હતો. ચિરાગને ખબર હતી કે આ ચોરીનો મુદ્દામાલ છે તેમ છતાં તેની પાસે રાખ્યો હોવાની વિગતો બહાર આવતા જે તે સમયે પોલીસે તેનો જવાબ લીધો હતો પરંતુ વધુ તપાસ દરમિયાન ચોરીના આ ગુનામાં તેની સીધી સંડોવણી બહાર આવતા આખરે વાઘોડિયા પોલીસે જરોદના કોન્સ્ટેબલ ચિરાગની ગઇકાલે ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં રજૂ કરી એક દિવસનો રિમાન્ડ મેળવ્યો હતો.