Gujarat

શ્રી સિધ્ધનાથ પ્રાઈમ ખાતેની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો : નોકરાણીની ધરપકડ

By GS TEAM
17 Sep 20251 min read
શ્રી સિધ્ધનાથ પ્રાઈમ ખાતેની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો : નોકરાણીની ધરપકડ


વાઘોડિયા રોડ એલએન્ડટી કંપની પાસેના શ્રી સિધ્ધનાથ પ્રાઈમ ખાતે નોકરાણીએ બેડરૂમના કબાટમાંથી રૂ. 90 હજારની કિંમતના સોનાના ઘરેણા ચોરી કર્યાની આશંકાએ મકાન માલિકની ફરિયાદના આધારે કપૂરાઈ પોલીસે નોકરાણીની નોકર ચોરીના આ કેસમાં ધરપકડ કરી મુદ્દામાલ રિકવર કર્યો હતો.

મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ વાઘોડિયા રોડ એલએન્ડટી કંપની પાસે આવેલ શ્રી સિધ્ધનાથ પ્રાઈમમાં રહેતા શિવેન્દ્રકુમાર તિવારી એલએન્ડટી કંપનીમાં ટેકનિકલ લીડ તરીકે કામ કરે છે. તેઓના પત્ની પ્રેગ્નન્ટ હોય ગીતાબેન વણઝારાને ઘરકામ માટે રાખ્યા હતા. શિવેન્દ્રકુમાર ગઈ તા. 12 સપ્ટેમ્બરના રોજ  રાબેતા મુજબ નોકરી પર ગયા હતા. અને તેઓની પત્ની બીમાર હોવાથી હોલમાં આરામ કરી રહી હતી. સાંજે બેડરૂમના કબાટમાં રાખેલ સોનાના દાગીના ગુમ હોવાની જાણ થઈ હતી. અને રૂ. 40 હજારની કિંમતની સોનાની ચેન, રૂ. 25 હજારની કિંમતની સોનાની વીંટી તથા રૂ.25 હજારની કિંમતની સોનાની બુટ્ટીની ચોરી થયાનું સામે આવ્યું હતું. આ દિવસે સવારથી સાંજ સુધીના સમયગાળા દરમ્યાન ગીતાબેન સિવાય ઘરે કોઈ આવ્યું ન જેથી તકનો લાભ ઉઠાવી ગીતાબેન ઉપર ચોરીની આશંકાએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં ગીતાબેનને ઝડપી પાડી તેના ઘરેથી તમામ મુદ્દામાલ રિકવર કર્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં આરોપીએ આર્થિક તંગીના કારણે ચોરી કર્યાની કબુલાત કરી હતી.