Gujarat

સરદારનગરમાં રેલવે કર્મચારીઓના ચાર ઘરને નિશાન બનાવી ભરબપોરે ચોરી

By GS TEAM
6 Jun 20261 min read
સરદારનગરમાં રેલવે કર્મચારીઓના ચાર ઘરને નિશાન બનાવી ભરબપોરે ચોરી

વડોદરા, તા.6 શહેરના નવાયાર્ડ વિસ્તારમાં રેલવે કોલોનીમાં રેલવે કર્મચારીઓના ચાર મકાનોને દિવસે નિશાન બનાવી ચોરો સોના-ચાંદીના દાગીના સહિતની મત્તા ઉઠાવી ગયા હતાં.

પ્રાપ્ત માહિતી મુજબ સરદારનગર રેલવે કોલોનીમાં રહેતા અને સહાયક ટ્રેક મશીન મેન્ટેનન્સ તરીકે ફરજ બજાવતા રાજેશકુમાર સીતારામ નાયક તા.૩ના રોજ સવારે ઘેરથી નીકળી મહેમદાવાદ રેલવે સ્ટેશન પર ગયા ત્યારે તેમને ખબર પડી હતી કે ઘરના દરવાજાનો નકૂચો તોડી અંદર પ્રવેશી ચોરોએ ચોરી કરી હતી. તેઓ નોકરી પરથી ઘેર આવ્યા ત્યારે ઘરનો સામાન પણ વેરવિખેર હતો અને ઘરમાંથી સોનાની વીંટી ચોરી થઇ હોવાનું જણાયું હતું.

દરમિયાન જાણવા મળ્યું હતું કે રેલવે કોલોનીમાં જ રહેતા અન્ય રેલ કર્મચારીઓ રાહુલકુમાર સુરેન્દ્ર સીંઘ, કમલેશ ગમનરામ સૈની અને અર્જુનલાલ પુનારામ મીનાના ઘરને પણ નિશાન બનાવી ચોરો અંદરથી દાગીના તેમજ રોકડ ઉઠાવી ગયા હતાં. ઉપરોક્ત બનાવ અંગે કુલ રૃા.૭૦ હજારની ચોરીની રાજેશકુમાર નાયકે રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.