પાંડેસરાના યુવાનનો ATM કાર્ડ ક્લોન કરી ભેજાબાજે રૂા. 1.01 લાખ ઉપાડી લીધા
જાન્યુઆરીમાં રૂા. 5000 ઉપાડયાના આઠ દિવસમાં જ ટુકડે-ટુકડે રકમ ગઇઃ બેંક મેનેજરે 90 દિવસમાં પૈસા ડિપોઝીટ થઇ જશે કહી ધક્કે ચડાવ્યો
સુરત તા. 2 જુલાઇ 2020 ગુરૂવાર
પાંડેસરા વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય યુવાનનો એસબીઆઇ બેંકનો એટીએમ કાર્ડ ક્લોન અથવા તો ડુપ્લીકેટ કાર્ડ બનાવી ટુકડે-ટુકડે અલગ-અલગ એટીએમ સેન્ટર પરથી રૂા. 1.01 લાખ તફડાવી લેતા પાંડેસરા પોલીસ મથકમાં વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાય છે.
પાંડેસરા જીઆઇડીસીની વર્ષા ડાઇંગ મીલમાં નોકરી કરતો કમલેશ ગોળાભાઇ વર્મા (રહે. ઇશ્વરનગર, કૈલાસ ચોકડી, પાંડેસરા અને મૂળ ગરસંડા, થાના. રામનગર, જિ. લખીસરાઇ, બિહાર) સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની પાંડેસરા પિયુષ પોઇન્ટ ચાર રસ્તા શાખામાં ખાતું ધરાવે છે. કમલેશે ગત તા. 28 જાન્યુઆરીએ એટીએમથી રૂા. 5 હજાર ઉપાડયા હતા. ત્યાર બાદ તા. 5 ફેબ્રુઆરીના રોજ પુનઃ પૈસા ઉપાડવા ગયો હતો પરંતુ બેંકમાં બેલેન્સ નહિ હોવાનું જણાતા ચોંકી ગયો હતો અને બેંક પાસબુકમાં એન્ટ્રી કરાવી હતી.
જેમાં તેના એકાઉન્ટમાંથી તા. 1 ફેબ્રુઆરીએ દેસુ રોડના એટીએમમાંથી રૂા. 20 હજાર, અઝાડેલ રેલવે મેઇન રોડ રૂા. 20 હજાર, તા. 2 ફેબ્રુઆરીએ અઝાડેલ રેલવે મેઇન રોડના એટીએમમાંથી રૂા. 20 હજાર, તા. 3 ફેબ્રુઆરીએ આઇડીબીઆઇના ગયા એટીએમમાંથી રૂા. 20 હજાર અને તા. 4 ફેબ્રુઆરીએ એસબીઆઇના ગયા એટીએમ પરથી રૂા. 20 હજાર અને ત્યાર બાદ રૂા. 1 હજાર ઉપાડયા હોવાની એન્ટ્રી હતી. જેથી કમલેશ ચોંકી ગયો હતો અને આ અંગે બેંક મેનેજરને ફરિયાદ કરી હતી. મેનેજરે બેંકમાં ફરિયાદ કરવા અને 90 દિવસમાં પૈસા પરત આવી જશે એમ કહ્યું હતું. પરંતુ 90 દિવસ બાદ પણ કમલેશના બેંક ખાતામાં પૈસા પરત ડિપોઝીટ નહિ થતા કમલેશે પુનઃ મેનેજરનો સંર્પક કર્યો હતો. મેનેજરે કમલેશને કહ્યું હતું કે તમારો એટીએમ કાર્ડ કોપી કરી અથવા તેનો પીન નંબર મેળવી પૈસા ઉપડી ગયા છે. જેથી આ અંગે કમલેશે પાંડેસરા પોલીસ મથકમાં અજ્ઞાત ભેજાબાજ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.