Gujarat

અડતાળા ગામે યુવાનની અંતિમવિધિ કરાઈ, પુત્ર સાથે પરિવારના સપના પણ ભસ્મીભૂત

By GS TEAM
16 Jun 20252 mins read
અડતાળા ગામે યુવાનની અંતિમવિધિ કરાઈ, પુત્ર સાથે પરિવારના સપના પણ ભસ્મીભૂત

- કંકુ પગલા અને પરિવાર મિલન બાદ ભાવિ દંપતી લંડન જઈ રહ્યું હતું, પુત્ર માટે પિતાએ જમીન વેચી નાંખી'તી

- પ્લેન ક્રેશની દુર્ઘટનામાં યુવક અને તેની વાગ્દત્તાનો જીવનદીપ બૂંઝાયો : અંતિમ યાત્રામાં કાળમીંઢ પથ્થર પીગળી જાય તેવા કરૂણ દ્રશ્યો સર્જાયા

ગઢડા : અમદાવાદમાં બનેલી હૃદયદ્રાવક વિમાન દુર્ઘટનામાં ગઢડા તાલુકાના અડતાળા ગામના આશાસ્પદ યુવાન અને તેમના વાગ્દત્તાનું કરૂણ મોત થયું હતું. ડીએનએ રિપોર્ટના આધારે ઓળખ થયા બાદ પરિવારને યુવાનનો મૃતદેહ સોંપવામાં આવતા આજે ભારે હૈયે અને ગમગીની વચ્ચે યુવાનની તેના વતનમાં અંતિમવિધિ કરવામાં આવી હતી.

ગઢડા (સ્વામીના) તાલુકાના અડતાળા ગામના યુવાન હાર્દિકભાઈ દેવરાજભાઈ અવૈયા (ઉ.વ.૨૭) અને તેમના ભાવિ પત્ની વિભૂતિબેનનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થતાં યુવકના મૃતદેહની ઓળખ માટે તેમના મોટાભાઈનું ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યું હતું. જે ડીએનએ સેમ્પલ મેચ થતાં ત્રીજા દિવસે મૃતદેહને તેમના પરિવારજનોને સોંપવામાં આવતા આજે રવિવારે વહેલી સવારે હતભાગી યુવાનના મૃતદેહને અડતાળા ગામે લાવવામાં આવતા ગામમાં ભારે ગમગીની છવાઈ હતી.

આ દુર્ઘટનાના હતભાગી યુવક અને તેની વાગ્દત્તાનો ભોગ લેવાતા મૃતદેહની ઓળખ માટે મૃતકના મોટાભાઈ તરફથી ડી.એન.એ. ટેસ્ટ માટે સેમ્પલ આપવામાં આવ્યું હતુ. ત્યારબાદ ત્રીજા દિવસે મૃતદેહની ઓળખ થતા પરિવારજનોને વિધિવત મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. આ મૃતદેહ વહેલી સવારે વતન અડતાળા ખાતે લાવતા કરૂણ ઘટનાના પગલે આખા ગામમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે. ભારે હૈયે નીકળેલી અંતિમ યાત્રામાં કાળમીંઢ પથ્થર પીગળી જાય તેવા કરૂણ દ્રશ્યો સર્જાયા હતા. ગ્રામજનો, મૃતકના સગા-સબંધીઓ શોકગ્રસ્ત બની મોટી સંખ્યામાં જોડાયા હતા. ઉપરાંત ગઢડા મામલતદાર, પોલીસ ટીમ અને મેડિકલ ટીમ પણ હાજર રહી હતી.

ઉલ્લેખનિય છે કે, હતભાગી હાદકભાઈ છેલ્લા ત્રણ વર્ષથી લંડનમાં અભ્યાસ અને નોકરી કરતા હતા. તેમના પિતા દેવરાજભાઈએ પુત્રના ઉજ્જવળ ભવિષ્ય માટે પોતાની જમીન વેચીને પુત્રને લંડન મોકલ્યો હતો. દેવરાજભાઈને બે પુત્ર અને ત્રણ પુત્રીઓ છે. જેમાં હાર્દિકભાઈ સૌથી નાના હતા. હજુ એકાદ મહિના પહેલાજ હાદકભાઈની સગાઈ સુરતના કામરેજ તાલુકાના વિભૂતિબેન પટેલ સાથે થઈ હોય, વાગ્દત્તા સાથે કંકુ પગલા અને પરિવાર મિલન માટે તેઓ વતનમાં આવ્યા હતા. નવી-નવી સગાઈ અને વિદેશમાં સારી નોકરીના કારણે પરિવાર ખુશખુશાલ હતો. પરંતુ વિધિની ક્રુરતા અને કાળની થપાટે પુત્ર અને ભાવિ પુત્રવધૂ છીનવી લેતા સામાન્ય ખેડૂત પરિવારે પેટ કાપીને બાળકોના ઉજ્જવળ ભવિષ્ટ માટે જોયેલા સપના પણ ભસ્મીભૂત થઈ ગયા હતા.