સલડી ગોઢાવદર વચ્ચે નિર્માણાધીન પુલ મોતનો પુલ બન્યો : ગ્લાઈડર વડે સળિયો કાપી રાજકોટ સારવારમાં લઈ જવાતા હતા એ વખતે રસ્તામાં જ પ્રાણપંખેરૂં ઊડી ગયું : 36 કલાકમાં બીજો બનાવ
અમરેલી, : ગઈ કાલે અમરેલી લીલિયા રોડ પર ગોઢાવદરના નિર્માણાધીન નવા પૂલની સાઈટ પર એક યુવાન ખાબકતાં મોત નીપજવાની ઘટના બન્યાનો બનાવ તાજો જ છે ત્યા,ં આજે ફરી એક યુવાન બાઈક સમેત ખાબકતા એના માથામાંથી સોંસરવો સળિયો આરપાર નીકળી જતાં મોત નીપજ્યું છે.
ગોઢાવદર ગામે નવો પુલ બની રહ્યો છે. આ પુલનું કામ પુરૂ થાય એ પહેલા બે નો જીવ લેવાઈ ગયો છે. અહી કામ કરતી એજન્સીની બેદરકારીના કારણે અકસ્માતો સર્જાવા લાગ્યા છે. મૂળ લીલિયાના વતની સુડતાલીસ વર્ષીય નીતિનભાઈ પરમાર લીલિયાથી અમરેલી તરફ જઈ રહ્યા હતા એ વખતે સલડી અને ગોઢાવદર વચ્ચે નવા બની રહેલા પુલ પરથી બાઈક સમેત ખાબકતાં પુલના બીમમાં રહેલો સળિયો નીતિનભાઈના માથા સોસરવો નીકળીને આરપાર બીજી બાજુ નીકળી ગયો હતો. આ બનાવ બનતા આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા. અને ગ્લાઈડર મશીનથી સળિયો કાપીને અમરેલી સિવિલ હોસ્પિટલમાં તેને ખસેડયા હતા. જો કે એમની તબિયત ગંભીર હોવાથી રાજકોટ રીફર કરાયા હતા પણ રસ્તામાં જ એનું પ્રાણપંખેરૂં ઉડી ગયું હતું. જેના કારણે પરિવારમાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે છત્રીસ કલાક પહેલા અમરેલીના આસિફ સતારભાઈ સલોત નામના બાઈક ચાલક યુવાન પર બ્રિજ પરથી નીચે ખાબકતાં મોત નીપજ્યું હતું. એ પછી સેફ્ટી સાધનોના અભાવ સાથે ચાલતા કામના કારણે બીજા વધુ એક વ્યક્તિનો ભોગ લેવાયો છે.


