જગવિખ્યાત ભાતીગળ તરણેતરના મેળાનો આરંભ
લોકકલા, લોકસાહિત્ય, લોકજીવન, લોકસંસ્કૃતિ અને લોકગીતના પ્રતિકસમા
ધારાસભ્યો અને અધિકારીઓ દ્વાર ત્રિનેત્રેશ્વર મહાદેવની પુજા અર્ચના કરી મેળાને ખુલ્લો મુકાયો ઃ ગ્રામીણ ઓલિમ્પિકમાં રમતવીરો કૌવત બતાવશે
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત એવો તરણેતરનો મેળો ખુલ્લો મુકવામાં આવ્યો છે. ચાર દિવસીય આ લોકમેળામાં ગ્રામીણ ઓલમ્પિક અને પશુ સ્પર્ધા પણ યોજાશે. આમંત્રણ પત્રિકામાં ઉલ્લેખ કરેલા એક પણ મંત્રી આ ઉદ્ધાટન વેળાએ હાજર ન રહેતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ધારાસભ્યો અને અધિકારીઓ દ્વાર ત્રિનેત્રેશ્વર મહાદેવની પુજા અર્ચના કરી મેળાને ખુલ્લો મુકાયો હતો. ચાર દિવસીય ગ્રામીણ ઓલિમ્પિકમાં રમતવીરો કૌવત બતાવશે.
પાંચાળનો સૌથી પૌરાણિક એવો તરણેતરનો મેળો સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આમંત્રણ પત્રિકામાં ઉલ્લેખ કરેલા એક પણ મંત્રી આ ઉદ્ધાટન વેળાએ હાજર ન રહેતા માત્ર સ્થાનિક ધારાસભ્યો, અધિકારીઓ દ્વારા ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવનું પુજન અર્ચન કરી પ્રજાજનો માટે ખુલ્લો મુક્યો હતો. મેળામાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ હોવા છતાં નેતાઓએ ફોટોગ્રાફી માટે ડ્રોન ઉડાડી નિયમોને નેવે મુક્યા હતા.
ચાર દિવસીય આ લોકમેળામાં ૨૦મી ગ્રામીણ ઓલમ્પિક અને પશુ સ્પર્ધા પણ યોજાશે. જેમાં રમતવીરો બતાવશે કૌવત મુખ્યમંત્રી, સહિતના મંત્રીઓ ચાર દિવસીય લોકમેળામાં અલગ અલગ દિવસે હાજરી આપશે. જ્યારે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પોસ્ટ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવતું વિશિષ્ટ આવરણ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ તકે વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય જગદીશ મકવાણા, ચોટીલા વિધાનસભાના ધારાસભ્ય શામજી ચૌહાણ, ધ્રાંગધ્રા વિધાનસભાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, જિલ્લા કલેકટર ડો.રાજેન્દ્રકુમાર પટેલ, ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા, તરણેતરના સરપંચ અશોકસિંહ રાણા સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ, આગેવાનો તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
ઉદ્દઘાટનમાં મંત્રીઓની ગેરહાજરી ઉડીને આંખે વળગી
થાનના તરણેતર વિશ્વ પ્રસિધ્ધ લોકમેળાનું ઉદ્દઘાટન રાજ્યના મંત્રીઓ મુળુભાઈ બેરા તેમજ કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે થવાનું હોવાની તંત્ર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી તેમજ મેળાની નિમંત્રણ પત્રિકામાં પણ બન્ને મંત્રીઓના નામો લખવામાં આવ્યા હતા છતાં કોઈ કારણોસર મંત્રીઓ ગેરહાજર રહેતા તેમની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી અને આ મામલે અનેક ચર્ચાઓએ પણ જોર પકડયું છે.