સુરતમાં ખાડીના અવરોધરૂપ દબાણ દુર કરવાની કામગીરી સતત ત્રીજા દિવસે પણ યથાવત : વાલમ નગર ખાતે લો લેવલ બ્રિજ દુર કરાયો
Surat : દર વર્ષે ચોમાસામાં સુરત માટે આફત બની ગયેલી ખાડીના પુલ અટકાવવા માટે કમિટી બન્યા બાદ છેલ્લા ત્રણ દિવસથી પાલિકા તંત્ર દ્વારા ખાડીના વહેણને અવરોધ રૂપ દબાણ દૂર કરવામા આવી રહ્યાં છે. આજે ત્રીજા દિવસે પાલિકાના અઠવા ઝોનમાં ત્રણ જગ્યાએ જ્યારે વરાછા બી ઝોનમાં બે જગ્યાએ દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આજે વાલમનગર ખાતે લો લેવલ બ્રિજ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
સુરતને ખાડી પૂરથી બચાવવા માટેની કામગીરી માટે હાઈલેવલ કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીના અધ્યક્ષ તરીકે પાલિકા કમિશનર શાલિની અગ્રવાલની નિમણૂક થયાં બાદ છેલ્લા ત્રણ દિવસથી ખાડીના પાણીને અવરોધતા દબાણ દુર કરવાની કામગીરી આક્રમક બની રહી છે. આ ઉપરાંત લાંબા અને ટુકા ગાળાના ઉકેલ માટે પણ આયોજન કરવામા આવ્યું છે. આજે સતત ત્રીજા દિવસે ખાડી પરના દબાણ દૂર કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આજે ત્રીજા દિવસે પાલિકાનાં અઠવા ઝોન, ઉધના ઝોન-એ અને વરાછા ઝોન-બીમાં સાત સ્થળે ખાડી પાસેનાં કલવર્ટથી માંડીને લો-લેવલ બ્રિજ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ઉપરાંત અઠવા ઝોનમાં સિદ્ધી એલીપ્સ પાસે અને ભીમરાડ-બમરોલી ખાડી બ્રિજ પાસે પોકલેન મશીન દ્વારા ખાડી વાઈડનીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. ઉપરાંત ભીમરાડથી સચિન મગદલ્લા બ્રિજ પાસે ડાઉનસ્ટ્રીમ વિસ્તારમાં ખાડી રી-ડેવલપમેન્ટની કામગીરી શરૂ કરવામાં આવી છે. પાલિકાના ઉધના ઝોનમાં ભેદવાડ ખાડી પાસે પાઈપ કલવર્ટ દુર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને લો લેવલ બ્રિજ પણ દુર કરી દીધા છે.