Get The App

હવામાન પણ અસ્થિર: મોરબી, હળવદ, ખાંભા પંથકમાં માવઠાં

- વાદળો: આકાશમાં કમોસમના અને લોકોના ચહેરે ચિંતાના

- આંધી સાથે કમોસમી વરસાદથી કૃષિ પાકને નુક્શાનની શક્યતા

Updated: Apr 24th, 2021

GS TEAM


Google News
Google News
હવામાન પણ અસ્થિર: મોરબી, હળવદ, ખાંભા પંથકમાં માવઠાં 1 - image


કોરોના સહિત વાયરલ ઈન્ફેક્શનનો રોગચાળો વધવાની ભીતિ

રાજકોટ, : રાજસ્થાન સહિતના સ્થળે હવાના સાયક્લોનિક સર્ક્યુલેશનની સીસ્ટમ સપ્તાહ છતાં વિખેરાઈ નથી અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળે વાદળો ધસી આવી તીવ્ર પવન સાથે ગાજવીજ સાથે કમોસમી માવઠાં વરસવાનો દોર આજે પણ ચાલુ  રહેતા લોકોમાં એક તરફ કૃષિ પાકને નુક્શાનની અને બીજી તરફ બગડેલા હવામાનથી હાલ કથળેલું જનસ્વાસ્થ્ય વધુ કથળે તેવી ભીતિ સર્જાઈ છે. આજે હળવદ, ખાંભા, મોરબી સહિત વિસ્તારોમાં આંધી સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો.

મોરબીમાં ભર ઉનાળે સાંજના સમયે જોરદાર વરસાદી ઝાપટું વરસ્યું હતુ. એક તરફ કોરોના મહામારીથી મોરબીના હાલ બેહાલ થયા છે, ઓક્સીજન, બેડ,ઈન્જેક્શન મેળવવા લોકો રઝળપાટ કરી રહ્યા છે ત્યારે હવે કુદરત પણ રૃઠયો હોય તેવો અહેસાસ થયો હતો. ડબલઋતુથી રોગચાળો વકરે તેવી ભીતિ સર્જાઈ છે.

ખાંભામાં આજે સાંજે અર્ધી કલાક કમોસમી વરસાદ આવતા ખેડૂતો મૂશ્કેલીમાં મુકાયા હતા અને ડુંગળી, બાજરી વગેરે લણેલો પાક બગડવાની ભીતિ સર્જાઈ છે. વરસાદના પગલે વિજપૂરવઠો ચાર કલાક સુધી ખોરવાઈ ગયો હતો. મહામારી વચ્ચે હવે આ મુસીબતથી લોકોમાં ચિંતાની લાગણી ્રસરી હતી. 

હળવદ શહેર અને તાલુકામાં બપોર બાદ મીની વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદ અને બોરડી ગામે બરફના કરાં વરસ્યા હતા. રણકાંઠા વિસ્તારમાં આંધી ફૂંકાઈ હતી. અનેક સ્થળોએ વૃક્ષો, હોર્ડીંગ ધસી પડયા હતા. 

રાજકોટ, જુનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં એક તરફ આકાશમાં કમોસમના, વણજોઈતા વાદળો અને લોકોના ચહેરા પર ચિંતા,તણાવના વાદળો છવાયા હતા. હવામાન ખાતુ રોજ વરસાદની આગાહી કરતું રહ્યું છે અને આવતીકાલથી હવામાન સુકુ રહેવાની આગાહી પણ કરે છે પરંતુ, હવામાન સુકુ,સૂર્યપ્રકાશિત સપ્તાહથી થતું નથી. હવે સોમવારથી તાપમાન ૪૩ સુધી પહોંચે તેવી આગાહી કરાઈ છે. આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં માત્ર કંડલા એરપોર્ટ બાદ કરતા તમામ સ્થળોએ તાપમાનનો પારો ૪૦ સે.નીચે રહ્યો હતો. 

Tags :