Get The App

ધર્મજ ગામમાં રબારીવાસ અને નવાપુરાનું પાણી પીવા લાયક નથી

Updated: Feb 27th, 2025

GS TEAM

Google News
Google News
ધર્મજ ગામમાં રબારીવાસ અને નવાપુરાનું પાણી પીવા લાયક નથી 1 - image


- પાણીમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધુ

- કમળાના વધુ નોંધાયેલા 8 દર્દી પૈકી 4 દાખલ : પાણીના નવા 4 લીકેજ મળ્યાં

આણંદ : પેટલાદના ધર્મજ ગામે બુધવારે કમળાના વધુ ૮ કેસ નોંધાયા હતા. જે પૈકી ૪ દર્દીઓને દાખલ કરાયા હતા. ગામના રબારીવાસ અને નવાપુરા વિસ્તારમાંથી લીધેલા પીવાના પાણીના સેમ્પલમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધુ હોવાથી પાણી બિન પીવા લાયક જાહેર કરાયા હતા. ગામમાંથી પાણીના નવા ૪ લીકેજ મળ્યા હતા.  

ધર્મજ ગામમાંથી બુધવારે કમળાના નવા ૮ કેસ મળી આવ્યા હતા. જેમાંથી ૪ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે મંગળવારે દાખલ કરેલા ૯ દર્દીઓને રજા આપવામાં આવી હતી. હાલમાં ૧૯ દર્દીઓ સારવાર હેઠળ છે. ગામમાં અત્યારસુધીમાં કમળાના ૧૧૩ કેસ મળી આવ્યા છે. 

આરોગ્ય વિભાગની ૧૯ ટીમો દ્વારા હાલ સુધીમાં ૨૫,૨૩૯ ક્લોરીન ટેબલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને એપેડેમિક મેડિકલ ઓફિસર દ્વારા ગામના વિવિધ વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી. 

તેમણે જણાવ્યું હતું કે, ગામના રબારીવાસ અને નવાપુરા વિસ્તારમાંથી લેવામાં આવેલા પીવાના પાણીના સેમ્પલનો રિપોર્ટ પેટલાદ સિવિલ હોસ્પિટલમાંથી આવ્યો હતો. તે પાણીમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધારે પ્રમાણમાં હોવાથી બિન પીવા લાયક છે. આ વિસ્તારમાં પીવાનું પાણી ક્લોરીનેશન યુક્ત જ આપવા ગ્રામ પંચાયતને જણાવાયું છે. 

આરોગ્ય વિભાગની ટીમને બુધવારે નવા ૪ લીકેજ મળ્યા હતા. ગામમાંથી મળેલા કુલ ૩૭ લીકેજમાંથી ૩૫ લીકેજના દૂરસ્તીની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. બાકી રહેલા બે લીકેજ દૂરસ્ત કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.

Tags :