હળવદના પંથકનાં મીઠાના અગરોમાં ફરી નર્મદા કેનાલના પાણી ઘુસી ગયા
મીઠાના અગરીયાઓની માઠી; મીઠાના પાટ ઓગળી જશે રણકાંઠા વિસ્તારમાં આવેલા મીઠાના અગરોમાં અવાર-નવાર નર્મદાની કેનાલનાં પાણી ઘુસી જતાં હોવાને લીધે ગરીબ અગરીયાઓને નુકસાન
હળવદ, : હળવદ તાલુકાના રણકાંઠાના વિસ્તારમાં છેલ્લા કેટલાંક સમયથી નર્મદા નેહરનું પાણી અવારનવાર મીઠાના અગરોમાં ઘુસી જવાના બનાવો બની રહ્યા છે. જેના કારણે અગરીયાઓને મોટી નુકસાની વેઠવી પડે છે. રણકાંઠા વિસ્તારમાં મીઠાના અગરોમાં ફરી એક વખત નર્મદાના પાણી ઘુસી જતાં અગરીયઓના મોઢે આવેલો કોળીયો છીનવાઈ જવાની ભીતિ ઉભી થઈ છે.
હળવદ પંથકના કીડી, ટીકર, ખોડ સહિતના રણકાંઠા વિસ્તારમાં નર્મદા નહેરનું પાણી ઘુસતા આ પાણી મીઠાના અગરો સુધી પહોંચ્યુ છે. પાણીને લીધે મીઠાના પાટ ઓગળી જવાની વકી ઉભી થઈ છે. તેને લીધે અગરીયાઓની મહેનત એળે જવાની સંભાવના છે. રણકાંઠાના વિસ્તારમાં વારંવાર નર્મદાના પાણી ઘુર્તા પાણીનો વેડફાટ થઈ રહ્યો હોવાની સાથે મીઠાના અગરોને નુકસાન થઈ રહ્યું છે. આ પ્રશ્નને લીધે ગરીબ અગરીયા મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. આ અંગે અગ્રણીઓએ રજૂઆત કરી છે.