મહેમદાવાદના કનીજની બે દીકરીઓની અંતિમયાત્રા નીકળતા ગામ હીબકે ચઢ્યું
મેશ્વો નદીમાં ડૂબી જતા છ લોકોના મોત બાદ
હૈયાફાટ આક્રંદ સાથે સ્વજનોએ અંતિમસંસ્કાર કર્યા : ચાર ભાણેજના મૃતદેહ અમદાવાદના નરોડા લઈ જવાયા
મહેમદાવાદ તાલુકાના કનીજ ગામેથી પસાર થતી મેશ્વો નદી પાસે ગતરોજ બુધવારે સાંજે મામા-ફોઈના પાંચ ભાઈબહેનો અને અન્ય એક મળી કુલ ૬ લોકો ગયા હતા. ભૂમિકાબેન ભૂપેન્દ્રભાઈ જાદવ (ઉ.વ.૧૪, રહે. કનીજ), દિવ્યાબેન રામજીભાઈ સોલંકી (ઉ.વ.૨૨, રહે.કનીજ), ફાલ્ગુનીબેન સોલંકી (ઉ.વ.૨૧, રહે. નરોડા), ધુ્રવ પંકજભાઈ સોલંકી (ભાણિયો, ઉ.વ.૧૫, રહે.નરોડા), જીનલ પંકજભાઇ સોલંકી (ભાણી, ઉ.વ.૨૪, રહે.નરોડા), મયુર સોલંકી (ઉ.વ.૧૯, રહે. નરોડા) એમ તમામ લોકો આ નદીમાં નાહવા માટે ઉતર્યા હતા. દરમિયાન ભૂમાફીયાઓએ કરેલા નદીના તટના ઉંડા ખાડામાં તમામ બાળકો ડૂબ્યા અને તેમના કરૂણ મોત નીપજ્યા હતા. ૫થી વધુ કલાકોની મહેનત બાદ આ તમામના એક બાદ એક ૬ મૃતદેહોને નદીના પાણીમાંથી શોધી બહાર કાઢવામાં આવ્યા હતા. બીજી તરફ પરિવારોમાં પણ ભારે આક્રંદ છવાયો હતો. પોલીસે આ તમામ લોકોના પીએમ કરી મોડીરાત્રે આ તમામના પરિવારજનોને મૃતદેહો સોંપ્યા હતા. જે બાદ ૪ ભાણેજને અમદાવાદ તેમના ઘરે લઈ જવાયા હતા. જ્યારે કનીજ ગામના બે લોકોની અંતિમયાત્રા ગુરુવારે સવારે નીકળી હતી. હૈયાફાટ આક્રંદ વચ્ચે સ્વજનોએ તેમના અંતીમસંસ્કાર કર્યા હતા. આ અંતીમયાત્રામાં સમગ્ર ગામ હીબકે ચઢયું હતું અને ગામમાં શોકનો માહોલ છવાયો હતો. કનીજ ગામે આવેલા સ્મશાન ખાતે એકી સાથે બે ચિતાની અંતિમવિધિ કરવામાં આવતા ગમગીનિ છવાઈ હતી.