કોરોના પોઝિટિવ આરોપીને બેડ સાથે હથકડી બાંધ્યાનો વિડીયો વાયરલ
પાસા અટકાયતી આરોપીનો રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર માટે દાખલ કર્યો છેઃ પોલીસે કહ્યું આરોપી રીઢો છે એટલે હથકડી બાંધી
સુરત તા. 28 જુલાઇ 2020 મંગળવાર
પાસા હેઠળ અટકાયતી ભેસ્તાનના ચકચારી મર્ડર કેસમાં સંડોવાયેલા રીઢા ગુનેગારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સિવિલ હોસ્પિટલમાં બેડ સાથે હથકડી બાંધી સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. પરંતુ રીઢા ગુનેગારે હથકડી બાંધી પોતે બિમાર હોવા છતા પોલીસ અત્યાચાર ગુજારી રહી હોવાની વાત કહેતો વિડીયો વાયરલ કર્યો છે અને આ મુદ્દે તેની પત્નીએ પોલીસ કમિશનરને અરજી પણ કરી છે.
ભેસ્તાનના ભૈરવ નગરમાં સ્થાનિક કોર્પોરેટર સતીષ પટેલના ડ્રાઇવર પ્રતીક ઉર્ફે ગંજી પટેલ અને માથાભારે ફાયનાન્સર ચંચલસિંહ રાજપૂત વચ્ચેની અંગત અદાવતમાં પ્રતીક અને તેના મિત્રોએ ચંચલસિંહના મિત્ર સંગમ પંડિતને રહેંસી નાંખ્યો હતો. પોલીસ તપાસમાં ચંચલસીંગે પણ તેના સાથીદારો સાથે પ્રતીક પર વળતો હુમલો કર્યો હતો. આ પ્રકરણમાં પાંડેસરા પોલીસે સંજીવ ઉર્ફે ચંચલસિંહ રાજપૂત (ઉ.વ. 27 રહે. સાંઇ પેલેસ, ભેસ્તાન) ને બે ચાર દિવસ અગાઉ મધરાત્રે સંજીવને લઇ આવી હતી અને તેને ગત રોજ કોરોનો પોઝિટિવ હોવાથી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જયાં પોલીસે બેડ સાથે હથકડી બાંધી દેતા સંજીવ ઉર્ફે ચંચલસિંહે એક વિડીયો બનાવી વાયરલ કર્યો હતો. વિડીયોમાં સંજીવે આપવીતી જણાવતા કહ્યું હતું કે પોલીસ કયા કારણોથી મને લઇ આવી છે તે ખબર નથી. પરંતુ હાલમાં હું બિમાર છું અને હથકડી બાંધી રાખી છે જેથી હું બાથરૂમ-ટોયલેટ તો ઠીક દવા લેવા પણ જઇ શકતો નથી. મને જોવા પણ કોઇ આવતું નથી અને આ વિડીયો વધુને વધુ લોકો સાથે પહોંચાડવાનું કહી પોલીસ કમિશનર પાસે ન્યાયની માંગણી કરી હતી. બીજી તરફ પતિ સાથે પોલીસ અત્યાચાર કરી રહી હોવાનું અને પાસા પીટીશન હાઇકોર્ટમાં પેન્ડીંગ હોવાના ઉલ્લેખ સાથે ન્યાય અપાવવાની માંગમી કરતી અરજી પત્ની પૂજા રાજપૂતે પોલીસ કમિશનરને કરી છે.
કાયદાકીય જોગવાઇ મુજબ ચંચલસિંહ સારવાર હેઠળ છેઃ પાંડેસરા પી.આઇ
પાંડેસરા પી.આઇ એ.પી. ચૌધરીએ જણાવ્યું હતું કે હત્યા, હત્યાના પ્રયાસ અને મારામારી સહિતના અનેક ગુનામાં સંડોવાયેલા ચંચલસિંહ અને તેના સાથીદાર રાહુલ ઉર્ફે ચિન્ટુ ઉમેશ સરકેરાની પાસા હેઠળ અટકાયત કરી હતી. કાયદાકીય જોગવાઇ મુજબ બંન્નેનો કોવિડ 19નો મેડીકલ ટેસ્ટ કરાવતા રાહુલનો રિપોર્ટ નેગેટિવ આવતા તેને વડોદરા મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો હતો. જયારે સંજીવ ઉર્ફે ચંચલસિંહ કોરોનો પોઝિટિવ હોવાથી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો છે. સામાન્ય બિમાર આરોપીને સારવાર માટે પ્રિઝનર વોર્ડમાં દાખલ કરાય છે પરંતુ ચંચલસિંહ કોરોના પોઝિટિવ છે અને તે ભાગી નહીં જાય તે હેતુથી હથકડી બાંધવામાં આવી છે.