વ્યાજખોરે ૧૮.૫૩ લાખની સામે ૨૬.૯૯ લાખ વસૂલી લીધા
૧૨ ટકાના વ્યાજે રૃપિયા આપનાર આરોપી દ્વારા વધુ રૃપિયાની માંગણી કરી ધમકી
વડોદરા,૧૮.૫૩ લાખની સામે ૨૬.૯૯ લાખ ચૂકવી દેવા છતાંય વ્યાજખોર દ્વારા વધુ રૃપિયાની ઉઘરાણી કરી ધમકી આપવામાં આવતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
ડભોઇ રોડ જલારામ નગર સોસાયટીમાં રહેતો પ્રકાશકુમાર ઇશ્વરભાઇ પરમાર રિપોર્ટર તરીકે નોકરી કરે છે. કપુરાઇ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, એપ્રિલ - ૨૦૨૨ માં મારે કાર લેવાની હતી. મારે ડાઉન પેમેન્ટમાં ૫૦ હજાર ખૂટતા હોઇ મારા મિત્ર ધવલ ચૌહાણ મારફતે ચિરાગ ચંદ્રકાંતભાઇ રાવલ (રહે. પી.ડબલ્યુ. ડી. કંપાઉન્ડ, ડભોઇ રોડ) સાથે વાત થઇ હતી. ચિરાગે મને ૫૦હજાર રૃપિયા ૧૨ ટકાના વ્યાજે આપ્યા હતા. દર મહિને ૬,૫૦૦ રૃપિયા વ્યાજ ચૂકવવાનું નક્કી થયું હતું. મેં અત્યારસુધી ચિરાગ પાસેથી કુલ ૧૮.૫૩ લાખ વ્યાજે લીધા હતા. જેની સામે મેં અત્યારસુધી ૨૬.૯૯ લાખ ચૂકવી આપ્યા હતા. મેં મારો ચેક પરત માંગતા ચિરાગે એવું કહ્યું કે, ચેક ક્યાંક મૂકાઇ ગયો છે. થોડા સમય પછી ચિરાગે મારી પાસે સાડા નવ લાખની માંગણી કરી ધમકી આપવાનું શરૃ કર્યુ હતું. તેણે ૮.૫૦ લાખની રકમ ચેકમાં લખી ચેક રિટર્ન કરાવી મને ચેક રિટર્નની નોટિસ આપી હતી.