ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલની મેસમાં યુનિ.તંત્રે વધારો કર્યો
બંને સ્થળે સેન્ટ્રલ કેન્ટીન ઉપરાંત ચાર-ચાર મેસ કાર્યરત રહેશે
વડોદરા,એમ.એસ. યુનિવર્સિટીમાં ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલની મેસની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.
આ અગાઉ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલની મેસમાં ફૂડ પોઇઝનની ઘટના બની હતી અને મેસ બંધ કરાઇ હતી. જેથી ગર્લ્સને જમવાની તકલીફ પડી હતી. યુનિ. સત્તાધીશોએ મેસનો કોન્ટ્રાકટ પણ રદ કરી દીધો હતો. હવે ગર્લ્સ હોસ્ટેલમાં પહેલા એક મેસ હતી તેના બદલે હવે ચાર કરવામાં આવી છે. જ્યારે બોયઝ હોસ્ટેલમાં બે મેસ હતી, તે પણ વધારીને ચાર કરવામાં આવી છે. આમ બંને સ્થળે હવે ચાર-ચાર હોસ્ટેલ ઉપરાંત એક એક સેન્ટ્રલ કેન્ટીન પણ ચાલશે. મેસ માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બંને સ્થળે મેસની સંખ્યા વધારવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગત જુલાઇમાં એસડી હોલમાં રાત્રે પનીરનું શાક, રોટલી અને ખીર ખાધા બાદ ૧૦૦થી વધુ ગર્લ્સને ફૂડ પોઇઝનિંગ થઇ જતાં સયાજી હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી.