રીબ઼ડામાં ફાયરિંગ કરનારા બંને શખ્સો છેલ્લે રૈયા સર્કલ સુધી દેખાયા
અનિરૂદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ પર : પોલીસની 2 ટીમો તપાસ માટે યુપી અને એમપી મોકલાઈ, : ત્રણેક વર્ષ પહેલાની તકરાર ફાયરિંગ પાછળ કારણભૂત બન્યાની શકયતા
રાજકોટ, : રીબડામાં અનિરૂદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ ઉપર બે દિવસ પહેલાં રાત્રે બાઈક પર આવેલાં બુકાનીધારી બે શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. આ બંને શખ્સોની કોઈ ભાળ પોલીસને મળી નથી. એલસીબી, એસઓજી, સ્થાનિક પોલીસ વગેરેની પાંચેક ટીમો ફાયરિંગ કરનારા અને ફાયરિંગની જવાબદારી લેનાર મૂળ ધોરાજી પંથકના અને હાલ રાજકોટ રહેતાં હાર્દિકસિંહ જાડેજાને શોધી રહી છે. પરંતુ કોઈ માહિતી મળી નથી રહી.
ફાયરિંગ કરનારા બંને શખ્સો રાજકોટથી આવી રાજકોટ તરફ જ ભાગ્યાની માહિતી પોલીસને મળી છે. જેના આધારે તપાસ આગળ ધપાવતાં ફાયરિંગ કરનારા બંને શખ્સો રૈયા સર્કલ સુધી આવ્યાની અને ત્યાર પછી કઈ દિશામાં ગયા તે વિશે પોલીસને કોઈ માહિતી મળી રહી નથી.
ફાયરિંગ કરનારા બંને શખ્સો પરપ્રાંતિય હોવાની શકયતા પોલીસે દર્શાવી છે. આ પ્રકરણની તપાસ માટે પોલીસની બે ટીમો યુપી અને એમપી પણ રવાના કરવામાં આવી છે.
ફાયરિંગની જવાબદારી લેનાર હાર્દિકસિંહ જાડેજાએ જો ખરેખર ફાયરિંગ કરાવ્યું તો કયા કારણથી કરાવ્યું તે વિશે પોલીસે તપાસ કરતાં હાલ એવી માહિતી મળી છે કે ત્રણેક વર્ષ પહેલાં રાજદિપસિંહ જાડેજાના મિત્ર સાથે હાર્દિકસિંહ જાડેજાને ઝઘડો થયો હતો. જેમાં રાજદિપસિંહ અને પીન્ટુ ખાટડી વચ્ચે પડયા હતા. ત્યારથી બંને પક્ષો વચ્ચે તકરાર ચાલતી હતી. ફાયરિંગ પાછળ ખરેખર આ તકરાર જ કારણભૂત છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. જો તકરાર ત્રણ વર્ષ પહેલાંની હતી તો બે દિવસ પહેલાં તેમાં કેમ ફાયરિંગ થયું તે બાબતનો તાળો મેળવવા પોલીસ મથી રહી છે.