ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં ત્રિપુટીએ ફાર્મ હાઉસ પર પાર્ટી યોજ્યા બાદ શ્વાનને લાકડી અને પાવડા વડે માર મારી એક આંખ ફોડી નાખી ગંભીર ઇજાઓ પહોંચાડતા ફરિયાદના આધારે નેત્રંગ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.મૂળ સુરતના વતની અને હાલ નેત્રંગ તાલુકાના પટેલ ફાર્મ ખાતે રહેતા કાંતિલાલ વિઠ્ઠલભાઈ સંઘાણીએ ટાઈગર નામનો જર્મન શેફર્ડ શ્વાન રાખ્યો છે. તેમણે ફરિયાદમાં કહ્યું હતું કે, મારા ખેતરમાં ખેત મજૂરી કરતા રાહુલ પુનિયાભાઈ વસાવા (રહે- ભાઠા કંપની, નેત્રંગ) શ્વાનની સારસંભાળ રાખતા હતા. ગઈ તા. 3 ઓક્ટોબરના રોજ મે ફાર્મ ઉપર પહોંચતા મારો શ્વાન ટાઇગર ઇજાગ્રસ્ત હાલતમાં બેભાન અવસ્થામાં હતો. રાહુલે મને જણાવ્યું હતું કે, મારા મિત્ર અમિત વસાવા તથા જીગ્નેશ વસાવા (બંને રહે- જૂના નેત્રંગ) એ ફાર્મ ઉપર પાર્ટી કર્યા બાદ શ્વાનને મારવાનો છે તેમ કહી માર્યો હતો. સીસીટીવી ચકાસતા જાણવા મળ્યું હતું કે, અમિત વસાવા અને જીગ્નેશ વસાવાએ લાકડી તથા પાવડા વડે બાંધી રાખેલ શ્વાનને માર મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. અને શ્વાનની ડાબી આંખ ફોડી નાખી હતી. ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો હતો.


