50 પરિવારના આખાં વર્ષનો Co2 એક કેમ્પસનાં વૃક્ષો જ શોષી લે છે
પોરબંદરના વનસ્પતિશાસ્ત્રીઓનાં સંશોધનને US જર્નલમાં સ્થાન : 40 પ્રજાતિનાં શહેરી વૃક્ષોની કાર્બન શોષણ ક્ષમતા ઉપર અભ્યાસ : 10-15 વર્ષ જૂના વડનાં વૃક્ષમાં સૌથી વધુ Co2 શોષણ ક્ષમતા
પોરબંદર, : પોરબંદરની એમડી સાયન્સ કોલેજનાં પટાંગણમાં 40 પ્રજાતિનાં 516 વૃક્ષો હવા શુધ્ધિકરણ માટે મહત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે. વનસ્પતિશાસ્ત્રીઓએ શહેરી વૃક્ષોની કાર્બન શોષણ ક્ષમતા ઉપર અભ્યાસ કર્યો છે, જેને અમેરિકાની લોયોલા મેરીમાઉન્ટ યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત થતાં જર્નલમાં સ્થાન મળ્યું છે.
આ અભ્યાસ એમડી સાયન્સ કોલેજમાં ઉગતી 40 વૃક્ષપ્રજાતિઓની વાતાવરણીય કાર્બન ડાયોકસાઇડને ગ્રહણ કરવાની અને સંગ્રહિત કરવાની તેમની ક્ષમતાનું મૂલ્યાંકન કરે છે જે ગ્લોબલ વોર્મિંગ સામેની લડાઇમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હિમાંશુ વાંદરિયા, જય ઉલ્વા, કૃણાલ ઓડેદરા, જેનીશ બામણિયા અને ડો. ભૂપેન્દ્રસિંહ જાડેજા દ્વારા આ અભ્યાસ કરવામાં આવ્યો હતો. અહીં વૃક્ષોની સંખ્યા અને પ્રજાતિઓની વિવિધતા નોંધપાત્ર રીતે ઊંચી હોવાથી તે શહેરી પર્યાવરણ માટે એક મહત્વપૂર્ણ હરિયાળું ક્ષેત્ર બને છે. 516થી વધુ વૃક્ષો વાયુ પ્રદૂષણ ઘટાડવામાં નોંધપાત્ર ફાળો આપે છે.
વૃક્ષોને નુકસાન ન થાય તે રીતે આ અભ્યાસ હાથ ધરાયો હતો. તેમાં જાણવા મળ્યું હતું કે 10-15વર્ષ જૂના પરિપકવ વડનાં વૃક્ષમાં સીઓટુ શોષણ ક્ષમતા સૌથી વધુ હતી, જે વાર્ષિક પ્રતિવૃક્ષ 4476.84 કિલોગ્રામ સીઓટુને શોષી લે છે. આ અભ્યાસનાં તારણો દર્શાવે છે કે કોલેજ કેમ્પસમાં રહેલા વૃક્ષોની વાર્ષિક આશરે 13,349.31 કિ.ગ્રા. સીઓટુનો સંગ્રહ કરે છે, જે લગભગ ૫૦ ભારતીય ઘરોનાં સરેરાશ વાર્ષિક ઉત્સર્જન જેટલું છે. દેશી બાવળ અને અર્જુન સાદડ જેવા વૃક્ષો પણ ઉત્તમ કાર્બન શોષણ કરે છે. ઉચ્ચ જૈવભાર ધરાવતી પ્રજાતિનાં વૃક્ષો પોરબંદર જેવા દરિયાકાંઠાના શહેરોમાં ખૂબ ઉપયોગી છે.