ઉમરેઠના ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરે અષાઢી તોલવાની પરંપરા
- વર્ષમાં કયા પાકની ખેતી કરવી તેનો વર્તારો
- ગુરૂપૂર્ણિમાએ 10 ધાન્યો બાંધી મંદિરના ગોખમાં મૂક્યા બાદ બીજા દિવસે વધઘટથી વર્તારો કરાશે
આણંદ : ઉમરેઠના ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરમાં ઐતિહાસિક અષાઢી તોલવાની પરંપરા છે. આ વર્ષે તા. ૧૦મી જુલાઈને ગુરૂવારે સાંજે નિજમંદિરમાં અષાઢી જોખવામાં આવશે. ધાન્યો જોખીને કોરા કટકામાં બાંધી કુંભમાં મૂકીને મંદિરના ગોખમાં રાખી દેવામાં આવશે. તા. ૧૧મી જુલાઈને શુક્રવારે સવારે ૯ કલાકે પંચની હાજરીમાં પુનઃ ધાન્યો જોખી વધઘટ પરથી અષાઢીનો વર્તારો નક્કી કરાશે.
છેલ્લા ઘણાં વર્ષોથી માત્ર ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર ખાતે જ અષાઢી તોલાય છે. ગુરૂપૂર્ણિમાના દિવસે મગ, ડાંગર, જુવાર, ઘઉં, તલ, અડદ, કપાસ, ચણા, બાજરી સહિતના ૧૦ ધાન્યોને માટી સાથે કાપડના કટકામાં બાંધીને મંદિરમાં ભગવાન સમક્ષ ગોખમાં મૂકી દેવાય છે. બીજા દિવસે અષાઢ સુદ એકમે ધાન્ય ફરી તોલવામાં આવે છે. જે ધાન્યમાં વધારો થાય તે પાક વધે અને ઘટાડો જોવા મળે તે પાકનું ઉત્પાદન ઓછું થતું હોવાની માન્યતા પંથકમાં પ્રવર્તે છે. ત્યારે ધાન્યમાં થતી વધઘટ પરથી વર્ષ દરમિયાન ખેડૂતો કયા પાકની ખેતી કરવી તેનો અંદાજો લગાવે છે.