લખતર પંથકમાં રક્ષાબંધનના દિવસે બળેવા દોડાવાની પરંપરા યથાવત

- વર્ષો જૂની પરંપરાને ગ્રામજનોએ જાળવી રાખી
- 4 યુવાનને બળેવા બનાવી તળાવની અંદર જઈને માટલીમાં પાણી ભરાય તે મુજબ આવતા વર્ષનો નક્કી થતો વર્તારો
લખતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રક્ષાબંધને બળેવા દોડાવવાની પરંપરા આજે પણ યથાવત જોવા મળી રહી છે. હાલના સમયમાં લુપ્ત થતી જતી આ જુની પરંપરાને લખતર તાલુકાના કડુ, આદલસર, લીલાપુર જેવા ગામડાની અંદર ગ્રામજનોએ જાળવી રાખી છે.
શ્રાવણ સુદ પુનમ એટલે કે રક્ષાબંધનના પવિત્ર દિવસે ગામડા ગામોની અંદર બળેવા દોડાવવાની પરંપરા ચાલતી જોવા મળી રહી છે.લુપ્ત થતી જતી આ વર્ષો જૂની પરંપરાને લખતર તાલુકાનાં આદલસર, લીલાપુર, કડુ, ઓળક ગામોનાં ગ્રામજનોએ જાળવી રાખી છે. જેમાં ચાર મહીના અષાઢ, શ્રાવણ, ભાદરવો, અને આસો એમ ચાર મહીનાના નામ ઉપરથી ચાર યુવાનોને તૈયાર કરવામાં આવે છે. ચારેય બળેવના માથે માટીની માટલી મુકીને ગામના તળાવની અંદર પાંચ પ્રદક્ષીણા ફરી ડુબકી લગાવીને કયા મહીનાના નામની માટલીમાં વધુ પાણી આવ્યુ અને કઈ માટલીમાં ઓછુ પાણી આવ્યુ તે જોઈ તેના ઉપરથી આવતા વર્ષનો વર્તારો નકકી કરવામાં આવતો હોય છે.
બળેવ તળાવમાં ડુબકી લગાવીને પાછા વળે ત્યારબાદ માટલી ફોડે છે.તે માટલીમાંથી નીકળતી કાટલીઓ અને ઠીકરીઓ લેવા ગ્રામજનોમાં પડાપડી થતી હોય છે. કારણ કે, આ માટીના ઘડાઓના ટુકડા લોક શ્રધ્ધદ્વાભેર પોતાના ધરે લઇ જાય છે. અનાજના કોઠારમાં તથા પાણીયારા પર મુકવામાં આવે તો ઘરમાં ધાન ભંડાર હંમેશા ભરેલા રહેતા હોવાની અને ધાન પણ સડતુ નથી એવી માન્યતા ગ્રામજનોની અંદર રહેલી છે. ત્યાર બાદ બળેવા બનેલા ચાર યુવાનોની દોડની હરીફાઈ લગાવીને જે હરીફાઈમાં પ્રથમ નંબર આવે તે યુવાનને ગ્રામજનો દ્વારા બનાવામાં આવેલ લાકડાનું હળ પુરસ્કાર રૂપે આપીને સન્માનિત કરવામાં આવે છે.આજે રક્ષાબંધનના દિવસે આદલસર, લીલાપુર, કડુ, ઓળક સહિત આસપાસના ગામના ગ્રામજનો દ્વારા આ પરંપરાને ઉત્સાહ અને આસ્થાપૂર્વક નિભાવવામાં આવી રહી છે.








