કડક બજારમાં લારી ગલ્લા ધારકોના દબાણો સામે તંત્ર લાચાર
પાર્કિંગના બોર્ડ અને પાર્કિંગના ઓટલા પર વાહન ચડાવવાના સ્લોપ ગાયબ : વાહન ટોઇંગ થતા છોડાવવા ૮૦૦ નો ચાંલ્લો
વડોદરા,સયાજીગંજ કડક બજાર નજીક પાર્કિંગ માટે બનાવવામાં આવેલા ઓટલા પર વાહન આસાનીથી પાર્ક કરી શકાય તે માટે બનાવવામાં આવેલા સ્લોપ અને પાર્કિંગના બોર્ડ અચાનક ગાયબ થઇ ગયા છે. પાર્કિંગની જગ્યા પર લારી ગલ્લાના દબાણોએ અડીંગો જમાવી દીધો છે. જેના કારણે આ વિસ્તારમાં ફરીથી ટ્રાફિકની સમસ્યા સર્જાઇ છે.
રેલવે સ્ટેશન અને કડકબજારને જોડતો વાક વે દૂર થતા ત્યાં એક મોટો ઉંચો ઓટલો બનાવી દેવામાં આવ્યો હતો. આ ઓટલો માત્ર દેખાડો પૂરતો જ બનાવવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું હતું. કારણકે, ઓટલાની એક બાજુ કોઈને પણ ન દેખાય તેમ ઝાંખુ જૂનું પાકગનું બોર્ડ લગાવી દીધુ તેમજ કોઇપણ વાહન ચાલક ઓટલા ઉપર પોતાનું ટૂ વહીલર આસાનીથી ચઢાવીને પાર્ક ન કરી શકે તેમ તેને ઊંચો બનાવી દીધો હતો. જેના કારણે એવી પરિસ્થિતિ સર્જાઇ કે, ટુ વ્હીલર ચાલકો પોતાના વાહનો ત્યાં પાર્ક ના કરી શકે અને લારી ગલ્લાવાળાને દબાણ કરવાની પૂરેપૂરી છૂટ મળી ગઇ. તેના કારણે બીજા જ દિવસે રાતો રાત તેના પર ખુરશી ટેબલો સાથે લારી ગલ્લાઓ પણ લાગી ગયા હતા. ત્યારબાદ હોબાળો થતા તંત્ર દ્વારા ઓટલા પર ટુ વ્હીલર ચાલકો વાહન પાર્ક કરી શકે તે માટે ત્રણ સ્થળે સ્લોપ બનાવવામાં આવ્યા હતા. પરંતુ, ત્યાં દબાણ કરતા લારી ગલ્લા ધારકોની એટલી હદે દાદાગીરી છે કે, થોડા જ દિવસોમાં તે સ્લોપ અને પાર્કિંગના સાઇન બોર્ડ પણ ગાયબ થઇ ગયા. સયાજીગંજ કડક બજારમાં ખરીદી માટે આવતા લોકોને ના છૂટકે પોતાના વાહનો રોડ પર પાર્ક કરવા પડે છે. જેના કારણે ટોઇંગ ક્રેન દ્વારા તેમના વાહનો ટોઇંગ કરી લઇ જવામાં આવે છે. આ વાહનો છોડાવવા માટે વાહન ચાલકોને ૮૦૦ રૃપિયાનો દંડ ભરવો પડે છે તેવુ સિનિયલ સિટિઝન ભરતસિંહ ચૌહાણે કહ્યું હતું. જ્યારે પાર્કિંગની જગ્યા ગાયબ કરી દેનાર સામે કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. નિર્દોષ વાહન ચાલકો માટે અવાજ ઉઠાવનાર કોઇ નથી. પરંતુ, કોર્પોરેશન અને ટ્રાફિક શાખા લારી ગલ્લાના દબાણ ઉભા કરનાર સામે કોઇ કાર્યવાહી કરતી નથી.