હથનુરથી 67 હજાર ક્યુસેક પાણી છોડાતા ઉકાઈ ડેમની સપાટી 325.94 ફુટ
ઉકાઈના ઉપરવાસમાં વરસાદને પગલે
દિવસ દરમિયાન પાણીની આવક ક્રમશ ઘટીને 27,192 ક્યુસેક
સુરત,તા.30 જુલાઈ 2020 ગુરુવાર
વીતેલા 24 કલાક દરમિયાન ઉકાઈ ડેમના ઉપરવાસના મોટા ભાગના ગેજ સ્ટેશનોમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે.જેના પગલે આજે સવારે હથનુર ડેમમાંથી છોડાયેલા 67 હજાર ક્યુસેક્સ પાણીના આવકના પગલે ઉકાઈની સપાટી ગઈકાલે કરતા અડધો ફુટ વધીને 325.87 ફુટ પર પહોંચી હતી.જો કે દિવસ દરમિયાન ઉકાઈમાં પાણીની આવકમાં ઉત્તરોત્તર ઘટાડો નોંધાવાના પગલે મોડી સાંજે 27,192 ક્યુસેક્સ પાણીનો આવકના લીધે ઉકાઈની સપાટી 325.94 ફુટ નોંધાઈ છે.જ્યારે આજનું રૃલ લેવલ 333 ફુટ છે.
સુરત સીટી સહિત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં 6 મીમી વરસાદને બાદ કરતાં આજે દિવસ દરમિયાન વરસાદી વિરામ જોવા મળ્યો હતો.અલબત્ત વીતેલા 24 કલાક દરમિયાન ઉકાઈ ડેમના ઉપરવાસના મોટા ભાગના ગેજ સ્ટેશનોમાં થયેલા નોધપાત્ર વરસાદ નોંધાયો હતો.જેમાં દેડતલાઈમાં 3 ઈંચ,દહીગામ,દુધખેડા તથા બુરહાનપુરમાં બે ઇંચ સહિત અન્ય તમામ ગેજસ્ટેશનોમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે.જેના પગલે હથનુર ડેમમાંથી 67હજાર ક્યુસેક્સ પાણીનો જથ્થો છોડવામાં આવ્યો હતો.જેથી ઉકાઈ ડેમમાં બપોરે 53,384કયુસેક્સ પાણીની આવક થઈ હતી.
જેથી આજે સવારે 6 કલાકે ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થતાં સપાટી ગઈકાલની તુલનાએ અડધો ફુટ વધીન 325.87ફુટ નોંધાઈ હતી.જો કે દિવસ દરમિયાન ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં ક્રમશઃ ઘટાડો જોવા મળ્યો હતો.બપોરે 43 હજાર ક્યુસેક્સ સાંજે 40 હજાર તથા રાત્રે 27,192 ક્યુસેક્સ નોંધાયો હતો.જ્યારે ડેમમાંથી 1000 ક્યુસેક્સ પાણીની જાવક નોંધાવા સાથે રાત્રે ઉકાઈ ડેમની સપાટી 325.94 ફુટ નોંધાઈ હોવાનું ફલ્ડ કંટ્રોલ શાખાના સુત્રોએ જણાવ્યું હતુ.