Get The App

પરીક્ષા રદ થતા કેનેડા નહી થઇ શકાતા વિદ્યાર્થીએ માનસિક સંતુલન ગુમાવ્યું

પાલ વિસ્તારમાં યુવાન જાહેરમાં નગ્ન થઇ ગયો અને એલફેલ બોલવા લાગતા પોલીસે સમજાવીને કપડા પહેરાવી પરિવારને સોંપ્યો

Updated: Jul 27th, 2020

GS TEAM

Google News
Google News

સુરત તા. 27 જુલાઇ 2020 સોમવાર
કોરોના વાયરસને પગલે જાહેર કરવામાં આવેલા લોક્ડાઉનને પગલે કેનેડા નહીં જઇ શકતા માનસિક સંતુલન ગુમાવનાર યુવાન પાલ ગેલેક્ષી સર્કલ નજીક નગ્ન થઇ અશ્લીલ હરકતો અને ગાળાગાળી કરતા અડાજણ પોલીસે પહોંચીને ભારે જહેમત બાદ તેમને સમજાવી કપડા પહેરાવી પરિવારને તેડાવ્એયો હતો. ઘટનાનો કેટલાકે વિડીયો બનાવી વાયરલ કર્યો હતો.

શહેરના અડાજણ વિસ્તારમાં રહેતો 22 વર્ષીય વિનય (નામ બદલ્યું છે) છેલ્લા કેટલાક સમયથી કેનેડા જવા માટે પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે. પરીક્ષામાં સાર માર્કસ સાથે ઉર્તીણ થવા માટે રાત-દિવસ એક કરનાર વિનયના કેનેડા જવાના સપનાને કોરોના વાયરસનું ગ્રહણ લાગ્યું હતું અને લોક્ડાઉનના કારણે પરીક્ષા યોજાય ન હતી. જેથી તે છેલ્લા કેટલાક દિવસથી વિચિત્ર હરકતો કરતો હતો. દરમ્યાનમાં આજે સવારે તે કામના બ્હાને ઘરેથી નીકળ્યા બાદ પાલ ગેલેક્ષી સર્કલ ખાતે પહોંચી ગયો હતો અને જાહેરમાં જ કપડા કાઢી નગ્ન હાલતમાં અશ્લીલ હરકતો કરવાનું ચાલુ કરી દીધું હતું. જેને પગલે લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. ટોળામાં સામેલ કેટલાક લોકોએ વિનયની હરકતોને કેમેરામાં કેદ કરી લઇ વિડીયો વાયરલ કર્યો હતો.

જયારે કોઇક જાગૃત વ્યક્તિએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા અડાજણ પોલીસ તુરંત જ ઘસી આવી હતી. પોલીસે વિનયને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે સ્થાનિક વિસ્તારની દુકાનોમાં ઘુસી જતો હતો. જો કે એકાદ કલાકની જહેમત બાદ પોલીસે જાહેરમાં અશ્લીલ હરકત કરનાર વિનયને સમજાવવામાં સફળતા મળી હતી અને તેને કપડા પહેરાવ્યા બાદ પોલીસ મથકમાં લઇ ગઇ હતી. જયાં પોલીસે વિનયની પુછપરછ કરવાની સાથે તેના પરિવારને જાણ કરી હતી. જેથી પરિવારના સભ્યો તુરંત જ દોડી આવ્યા હતા અને જણાવ્યું હતું કે વિનય કેનેડા જવા માટે ભારે ઉત્સુક છે અને તેણે પરીક્ષા પાસ કરવા રાત-દિવસ એક કરી નાંખ્યા હતા. પરંતુ લોક્ડાઉનના કારણે પરીક્ષા રદ્દ થઇ જતા તે છેલ્લા કેટલાક દિવસથી તણાવમાં રહેતો હતો. પોલીસે વિનય વિરૂધ્ધ જાહેરમાં નગ્ન થઇ અશ્લીલ હરકતો કરવા બદલ ગુનો નોંધી ધરપકડ કરવાની સાથે જામીન મુક્ત કર્યો હતો.

વિનય કે તેના જેવા વિદ્યાર્થીઓએ નાસીપાસ થવાની જરૂર નથી હાલમાં તકેદારી રાખવી જોઇએ, બીજી અનેક તકો આવશે
વાયરલ થયેલા વિડીયો અંગે કેટલાક શિક્ષણવિદોએ કહ્યું કે, કોરોના મહામારી વૈશ્વિક છે. એક પરીક્ષા રદ થવાથી કે એક તક જતી રહેવાથી આ યુવાન વિનય કે તેની માફક વિદેશ જવા ઇચ્છુક કે ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવવા માંગતા અન્ય વિદ્યાર્થીઓએ બચવા તકેદારી રાખવી વધુ જરૂરી છે. સમસ્યા તમામ વિદ્યાર્થીઓને છે. સ્કૂલોના વિદ્યાર્થીઓ પણ મુશકેલી અનુભવી રહ્યા છે. હાલમાં કોરોના સામે લડવા માનસિક રીતે મજબૂત થવું આવશ્યક છે.

Tags :