ચોમાસું બેસી જતા પાંચ જ દિવસમાં રાજ્યની વીજ માગમાં 7000 મેગાવોટ જેટલો ઘટાડો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Monsoon Season : રાજ્યમાં ચોમાસું બેસી ગયું છે. રાજ્યના ઘણા જિલ્લાઓમાં શરુઆતથી જ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા હોવાથી લોકોને કાળઝાળ ગરમીમાંથી પણ રાહત મળી ગઈ છે. તેની સાથે રાજ્યની વીજ માગમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. જેના કારણે વીજ કંપનીઓ પરનું ભારણ પણ ઘટયું છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચોમાસાના આગમન બાદ તા.17 જૂનના રોજ રાજ્યની વીજ માગ 17000 મેગાવોટ જેટલી નોંધાઈ હતી. તેના પહેલા તા.12 જૂનના રોજ વીજ માગ 26000 મેગાવોટ જેટલી હતી. એ પછી વરસાદી માહોલના પગલે વીજ માગમાં ઘટાડો થવા માડયો હતો. આમ પાંચ જ દિવસમાં વીજ માગમાં 9000 મેગાવોટ જેટલો ઘટાડો થયો છે.
ખાસ કરીને કૃષિ ક્ષેત્રની વીજ માગ ઘટી ગઈ છે. વરસાદ પહેલા આ સેકટરની વીજ માગ 8000 મેગાવોટની આસપાસ રહેતી હતી. તેની જગ્યાએ હવે ખેતીવાડી માટે વીજ માગ ઘટીને 1500 થી 2000 મેગાવોટ જ રહી હોવાનો અંદાજ છે. ઉપરાંત એસી, પંખા અને કૂલર પણ હવે ઓછા કલાકો માટે ચાલી રહ્યા હોવાથી રહેણાંક વિસ્તારોની વીજ માગમાં પણ ઘટાડો નોંધાયો છે.
ઉલ્લેખનીય છે કે, ઉનાળાની સિઝનમાં તા.28 એપ્રિલના રોજ રાજ્યની વીજ માગ ઈતિહાસમાં પહેલી વખત 26750 મેગાવોટ પર પહોંચી હતી. વીજ કંપનીઓના સત્તાધીશો વીજ માગ આ વર્ષે 27000 મેગાવોટ ક્રોસ કરી જશે તેવો અંદાજ બાંધીને બેઠા હતા.જોકે ચોમાસાના વહેલા આગમનના કારણે અત્યારના તબક્કે ઉલટાની વીજ માગ ઘટી છે.








