ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા આયોજિત રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3 ની લેખિત પરીક્ષાઓ આજે લેવામાં આવી હતી. જે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.
પરીક્ષાઓ દરમિયાન ચોરીના દુષણના કારણે તેજસ્વ વિધાર્થીઓ ને નિયમાનુસાર પરીક્ષા આપવામાં અડચણ થાય નહી તે માટે જામનગર જિલ્લા ના પરીક્ષા કેન્દ્રોની આસપાસ કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે અને પરીક્ષા સુચારુ રીતે પૂર્ણ થાય તે હેતુસર પરીક્ષા કેન્દ્રોની આસપાસના ઝેરોક્ષ સેન્ટર્સ અને કોપીયર મશીન પરીક્ષાના સમય દરમિયાન બંધ રહે, તેમજ પરીક્ષા કેન્દ્રો પર કોઈપણ વ્યક્તિ મોબાઈલ ફોન, ઈલેક્ટ્રોનિક સાધનો, કેલ્ક્યુલેટર, ઈલેક્ટ્રોનિક વોચ અને અન્ય અનધિકૃત સાહિત્ય વગેરે સાથે ના લઈ જાય તે માટે પ્રતિબંધાત્મક હુકમો ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું.
જામનગર જિલ્લામાં નેશનલ હાઈસ્કૂલ, આર.આર.શાહ હાઈસ્કૂલ, નંદન માધ્યમિક શાળા, એલ.જી.હરિયા સ્કૂલ, જેકુરબેન સોની કન્યા વિદ્યાલય, પ્રણામી હાઇસ્કુલ, શિશુવિહાર હિન્દી હાઇસ્કૂલ, શ્રીમતી જી.એસ. મહેતા કન્યા વિદ્યાલય, ભવંસ એ કે. દોશી વિદ્યાલય, ડી એસ. ગોજીયા વિદ્યાલય અને સત્યસાંઇ વિદ્યાલય એમ કુલ ૧૧ કેન્દ્ર ની પરીક્ષા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી.
આજ ની પરીક્ષામાં કુલ 2527 ઉમેદવારો નોંધાયા હતા જેમાંથી 2035 હાજર અને 492 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. ચુસ્ત પોલીસ સુરક્ષા વ્યવસ્થા અને તમામ ક્લાસરૂમમાં સીસીટીવી કેમેરાની નજર હેઠળ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન થઈ હતી.


