Get The App

સૌરાષ્ટ્રમાં મેઘાવી માહોલમાં ગુંજી ઉઠયા 'જય જગન્નાથ'નાં નાદ

Updated: Jul 1st, 2022

GS TEAM

Google News
Google News
સૌરાષ્ટ્રમાં મેઘાવી માહોલમાં ગુંજી ઉઠયા 'જય જગન્નાથ'નાં નાદ 1 - image


રાજકોટ, જૂનાગઢ, દ્વારકા સહિતના શહેરોમાં રંગેચંગે રથયાત્રા ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રના દિવ્ય સ્વરૂપના દર્શન કરી હજ્જારો ભાવિકો ભાવવિભોર; પરબધામોમાં હજ્જારો ભાવિકોની મેદની ઉમટી

રાજકોટ, : અષાઢી બીજનાં મંગલ પર્વે રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં જુદા-જુદા શહેરોમાં ભગવાન જગન્નાથના જયઘોષ સાથે ઠેર-ઠેર રથયાત્રા યોજવામાં આવી હતી. વરસાદના મેઘાવી માહોલમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રને નગરચર્યા કરાવવા માટેનાં દિવ્ય દોરડા ખેંચીને ભાવિકો ભાવવિભોર બની ગયા હતા. રાજકોટમાં નાનામૌવા ચોક નજીક આવેલા કૈલાશધામ આશ્રમે પુજનવિધિ બાદ સવારથી રથયાત્રાનો પ્રારંભ થયો હતો. જે શહેરના જુદા-જુદા માર્ગો ઉપર ફરીને રાત્રીના કૈલાશધામ આશ્રમે પહોંચી હતી. જેમાં મહાઆરતિમાં સંખ્યાબંધ શ્રદ્ધાળુ ભાવિકો જોડાયા હતા. અષાઢી બીજનાં પર્વ સાથે મેઘ મહારાજની પધરામણી થતાં લોકોમાં આજે ઉત્સાહના માહોલ સવિશેષા જોવા મળ્યો હતો.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અષાઢી બીજનાં પર્વે અનેક સ્થળે રથયાત્રા અને શોભાયાત્રાના કાર્યક્રમો યોજાયા હતા. કૈલાશધામ આશ્રમેથી રાજવી માંધાતાસિંહજી જાડેજા અને પોલીસ કમિશન રાજુ ભાર્ગવ સહિત અન્ય મહાનુભાવોના હસ્તે પુજાવિધિ અને આરતિ બાદ જય જગન્નાથનાં નાદ સાથે રથયાત્રાનાં પ્રારંભ થયો હતો. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રના દિવ્ય સ્વરૂપોની ઝાંખી કરાવતા રથની સાથે સાધુ-સંતો, શ્રદ્ધાળુ ભાવિકો, આગેવાનો, સ્વયંસેવી સંસ્થાઓના કાર્યકરો સાથે વાજતે-ગાજતે રથયાત્રા શહેરના જુદા-જુદા માર્ગો ઉપર ફરી હતી. બપોરે એક વાગ્યે ભુપેન્દ્ર રોડ સ્વામિ નારાયણ મંદિરે મામેરા વિવિધ બાદ વરસતા વરસાદમાં યાત્રા આગળ વધી હતી. જે મોડી સાંજે કૈલાશધામ આશ્રમે પરત ફરી હતી. રથયાત્રાનું ઠેર-ઠેર વિવિધ સંસ્થાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. કાયદો વ્યવસ્થા જાળવવા ઠેર-ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઉત્સાહપૂર્ણ માહોલમાં રથયાત્રા સંપન્ન થયા બાદ કૈલાશધામ આશ્રમે રાત્રીના આઠ વાગ્યે મહાઆરતી સાથે મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો હતો.

રાજકોટની માફક ભેંસાણ નજીક આવેલા પરબધામ અષાઢી બીજ નિમિત્તે યોજાતા લોકમેળામાં અનેક લોકો ઉમટયા હતા. દર વર્ષની માફક આ વર્ષે અહીં ધ્વજારોહણ પુજન-અર્ચન અને યજ્ઞાના કાર્યક્રમો યોજાયા હતા. મહોત્સવની સાથે સંતવાણી, મહાઆરતી અને લોકડાયરાના કાર્યક્રમમાં સંખ્યાબંધ લોકો ઉમટયા હતા. બે દિવસ સુધી અહીંના ધર્મોત્સવનો લાભ હજ્જારો ભાવિકોએ લીધો હતો.

દેશના પશ્ચિમ છેવાડા ઉપર આવેલા જગપ્રસિદ્ધ દ્વારકાધિશ મંદિરે અષાઢી બીજ નિમિત્તે રથયાત્રા ઉત્સવ નિમિત્તે શ્રીજીના બાલ સ્વરૂપન ચાંદીના રથમાં બિરાજમાન કરી શરણાઈના સુરો સાથે જગત મંદિરમાં ચાર પરિક્રમા કરવામાં આવી હતી. પરીક્રમા પૂર્ણ થયા બાદ ઠાકોરજીને ભોગ સામગ્રી ધરાવી આરતિ કરવામાં આવી હતી. ચોથી અંતિમ પરીક્રમા પૂર્ણ થયા બાદ ઠાકોરજીના રથને મંદિરના પટાંગણમાં દેવકીજીનાં મંદિર પાસે આવેલા સ્તંભમાં રથ અથડાવવામાં આવ્યો હતો. પરંપરાગત રીતે યોજાતી આ વિધિ દરમિયાન ભાવિકો ભાવ વિભોર બની ગયા હતા.

જૂનાગઢમાં અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીના મંદિરે ભગવાનને શાહી સ્નાન કરાવવામાં આવ્યા બાદ હાંડી ભોગ ધરાવવામાં આવ્યા પછી સાધુ-સંતો અને ભાવિકોની ઉપસ્થિતિમાં  ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પ્રાંરભ થયો હતો. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રને અલગ-અલગ રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળ્યા હતા. જગન્નાથના નાદ સાથે રથયાત્રા શહેરના  વિવિધ માર્ગો ઉપર ફરીને સાં નજમંદિરે પરત ફરી હતી. વરસતા વરસાદમાં રથયાત્રાને કારણે સર્વત્ર ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

Tags :