Get The App

રાજકોટ ખેતલા આપા મંદિરમાંથી મળેલા સર્પો સેન્ડબોઓ પ્રકારના બીનઝેરી હતા

Updated: Nov 20th, 2025

GS TEAM

Google News
Google News
રાજકોટ ખેતલા આપા મંદિરમાંથી મળેલા સર્પો સેન્ડબોઓ પ્રકારના બીનઝેરી હતા 1 - image


શહેરમાં નાગ દેવતાના અનેક મંદિરો, શ્રધ્ધાપૂર્વક થાય છે પૂજા 

વનવિભાગના સૂત્રો અનુસાર સર્પો ઈકો સીસ્ટમ માટે ખૂબ ઉપયોગી,ગુજરાતમાં કોબ્રા,કાળોતરો સહિત ચાર પ્રકારના સર્પો ઝેરી હોય છે

રાજકોટ: રાજકોટના જુના માર્કેટ યાર્ડથી ગ્રીનલેન્ડ ચોકડી તરફ જતા માર્ગ ઉપર વર્ષો પુરાના અને લોકોના આસ્થા કેન્દ્ર એવા ખેતલા આપા, વાસંગી દાદાના મંદિરમાં કોમન સેન્ડબોઆ પ્રજાતિના કે જેને સ્થાનિક ભાષામાં ભંફોડી કહેવાય છે તેવા ૫૨ સર્પોને ગત રાત્રિના વનવિભાગે પકડીને તેને યોગ્ય જગ્યાએ મુક્ત કરવામાં આવ્યા હતા, આ અંગે વનવિભાગના ડી.સી.એફ. યુવરાજસિંહ ઝાલાએ જણાવ્યું કે આ સર્પો બીનઝેરી હોય છે અને કુદરતમાં તેનું અનેરું મહત્વ છે. જો કે મંદિરમાં તે પૂજા,ધાર્મિક શ્રધ્ધા અન્વયે હતા પરંતુ, વાઈલ્ડ લાઈફ એક્ટ-૧૯૭૨ હેઠળ સર્પોને આ રીતે રાખી શકાતા ન હોય મહંત સામે કાર્યવાહી કરાઈ હતી. 

વધુમાં જણાવ્યા પ્રમાણે આ સર્પોનો ખોરાક ગરોળી,ઉંદર,જીવજંતુ વગેરે હોય છે અને આ સર્પોનું ઈકો સીસ્ટમ જાળવવામાં મોટુ યોગદાન હોય છે. તેની પુંછડી અને મુખ નાના હોય તેને જોતા બે મોઢાવાળા સર્પ કહે છે પરંતુ, વાસ્તવમાં તેને એક જ મોઢુ હોય છે. ગુજરાતમાં કોબ્રા કે જેને નાગ કહે છે, ઉપરાંત કાળોતળો સહિત ચાર પ્રકારના ઝેરી સર્પો જોવા મળતા હોય છે. પકડાયેલા સર્પ ઝેરી નથી અને માણસોને તે નુક્શાન પહોંચાડતા નથી. 

ઉલ્લેખનીય છે કે ભારતમાં પ્રાચીન સમયથી પ્રકૃતિની રક્ષા સાથે ધર્મ વણાયેલો છે અને રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં નાગદેવતાના અનેક મંદિરો આવેલા છે અને નાગપંચમીએ ત્યાં મોટા ધર્મોત્સવ ઉજવાતા રહે છે. લોકો શ્રધ્ધાપૂર્વક નાગદેવતાની પૂજા કરતા હોય છે. ઉપરોક્ત મંદિર પણ વર્ષોથી આવેલ છે અને વર્ષોથી ત્યાં સાપના દર્શન દર્શનાર્થીઓને થતા રહ્યા છે.

Tags :