વડોદરા: વતન ગયેલા ઠક્કર પરિવારના ગોત્રી સ્થિત બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા
વડોદરા, તા. 16 નવેમ્બર 2021 મંગળવાર
દિવાળી વેકેશન મનાવવા વતન ગયેલા ઠક્કર પરિવારના ગોત્રી સ્થિત બંધ મકાનને તસ્કરોએ ટાર્ગેટ કરી સોના-ચાંદીના ઘરેણાં અને રોકડ રકમ સહિત 59 હજારની મત્તા ચોરી નો બનાવ ગોત્રી પોલીસ મથકે નોંધાયો છે.
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી યોગી નગર હાઉસિંગ સોસાયટીમાં રહેતા શીતલ કુમાર ઠક્કર અનાજ કરીયાણાની દુકાન ધરાવે છે. 12મી નવેમ્બર ના રોજ તેઓ પોતાના મકાનને તાળું મારી પરિવાર સાથે વતન જંબુસર પહોંચી રોકાયા હતા.
દરમિયાન બંધ મકાનનો લાભ ઉઠાવી ત્રાટકેલા તસ્કરો મુખ્ય દરવાજાનો નકૂચો તોડી ઘરમાં પ્રવેશી બેડરૂમમાં રાખેલી તિજોરી તથા કબાટનો સામાન વેરણછેરણ કરી તિજોરીમાંથી સોનાની બુટ્ટી ,સોનાનું પેન્ડલ, સોનાની વીંટી ,ચાંદીના ઝાંઝર અને રોકડા રૂ 25 હજાર મળી કુલ 59 હજારની મત્તા ચોરી નાસી હોવાનું બહાર આવ્યું હતું.