હળવદનું નાનું એવું ચુંપણી ગામ મિની લેમન માર્કેટ યાર્ડ બન્યુ
દર વર્ષે અંદાજે 200 કરોડનાં લીંબુનું ટર્નઓવર સમગ્ર સૌરાષ્ટ્રના નાના મોટા લીંબુ ઉત્પાદકો ચૂંપણી મોકલે છે લીંબુ, રાત્રે ટ્રક ભરાઇ દિલ્હી પહોંચે છે ચુંપણી, માથક અને શિવપુર ગામે 100-100 વિદ્યામાં લીંબુનું વાવેતર, દિલ્હી-પંજાબ-કાશ્મીરમાં ચુંપણીના લીંબુની બોલબાલા
રાજકોટ, : પરંપરાગત ખેતીને તીલાંજલી આપી હળવદ પંથકના ખેડૂતોએ લીંબુની ખેતી અપનાવી છે. હળવદ તાલુકાના શિવપૂર, માથક, ચુંપણી ગામમાં ખેડૂતો સો - સો વીઘામાં લીંબૂડીનું વાવેતર કરે છે. વર્ષ દરમિયાન 150થી 200 કરોડના લીંબુ ટ્રક મારફત છેક દિલ્હી જાય છે. ચુંપણી ગામતો લીંબુનું મિની માર્કેટ યાર્ડ બની ગયું છે. સૌરાષ્ટ્રના નાના - નાના લીંબુ ઉત્પાદકોનો માલ ચુંપણી આવે છે. અને ચૂંપણીથી લીંબુ રાજકોટ, દિલ્હી, જમ્મુ, શ્રીનગર, ચંદીગઢ સુધી જાય છે. ઉપરોકત ગામોના 3200 વીઘા લીંબુ વાવેતર વિસ્તારમાં લીંબુ લચી પડયા છે. જો આ ખેડૂતોને કેનાલના પાણીનો લાભ અપાય તો ઇઝરાયેલને પણ ભૂલાવી દે તેમ છે.
હળવદ પંથકમાં લીંબુના વાવેતરની રોચક કથા છે. માથકના પ્રગતિશીલ ખેડૂતોના જણાવ્યા મુજબ તેઓએ 150 વીઘા જમીનમાં લીંબુ વાવ્યા છે. તેજી સમયમાં લીંબુના તેઓએ ભાવ 20 કિલોના 1800 થી 2200 સુધીના મહત્તમ ભાવો મેળવ્યા હતા. આછી છાલના 'કાગદી' જાતના લીંબુ ખૂબજ રસદાર અને ઉત્તમ જાતના છે. એમાં એ 'ટીશ્યૂ કલ્ચર' પધ્ધતિ આવી જતાં બાગાયતી પાકની ઉપજ ઉત્પાદન બેવડાઇ જાય છે. લીંબુની ખેતી કપાસ કરતા પણ વધુ ઉપજાઉ છે. 5 વર્ષની વયનું ઝાડ હોય તો ઝાડ દિઠ 2 થી 5 મણનો પ્રારંભિક ઉતારો આવે છે એ પછી ઉતારો વધી જાય છે. ઝાડની આયુષ્ય 25 વર્ષ સુધીની હોય છે.
ચુંપણી ગામે લીંબુના 1,50,000 થી વધુ, માથકમાં 35000, શિવપુરમાં 85000 થી વધુ ઝાડ છે. નફાકારક, પ્રોત્સાહક ખેતી હોવાના કારણે ખેડૂતો વર્તમાન વાવેતર વિસ્તારમાં દર વર્ષે 15- 20વીઘાનો વધારો કરતા જાય છે. તમને નવાઇ લાગશે કે આ ગામો સંલગ્ન કોઇ મોટો ડેમ કે કેનાલ ન હોવા છતાં ખેડૂતો આફતને અવસરમાં પલટી સાફ એવું ''ચીલ્ડ'' મેળવી રહ્યા છે. જો તેમને સિંચાઇ પુરી પાડવામાં આવે તો વધુ વિકાસ થઇ શકે.
હાલ એવરેજ 400 થી 600 સુધીના ભાવ, હવે ક્રમશ: વધશે
અત્યારે લીંબુના એવરેજ ભાવ 400થી 600 સુધીના ચાલે છે. રાજકોટનું ટ્રાન્સપોર્ટેશન ભાડું 30 રૂપિયા છે. અને દિલ્હીનું ટ્રાન્સપોર્ટેશન ખર્ચ 140 આવે છે. અને બન્નેના ભાવ સરખા હોવાથી ચુંપણીથી હાલ લીંબુ સૌરાષ્ટ્રમાં જાય છે. દિલ્હીમાં હાલ આંધ્રના લીંબુ જાય છે. પરંતુ દશ - બાર દિવસ પછી દિલ્હીમાં ભાવો વધવાને કારણે ચુંપણીથી રોજ ૪ થી ૫ ટ્રક સુધીનો ''એ - વન ગ્રેડિંગ માલ'' ભરાઇને સાંજે દિલ્હી રવાના થશે. દિલ્હીથી ચુંપણીના લીંબુ જમ્મુ, કાશ્મીર, શ્રીનગર, ચંદીગઢ સુધી પહોંચી જાય છે. હળવદ પંથકના ગામોના લીંબુ દિલ્હી તો જાય જ છે પરંતુ બોટાદ, ભાવનગર, અમરેલી પંથકના નાના - મોટા ખેડૂતો ૫ ટન ની કેપેસીટીના વાહનોમાં લીંબુ ભરી ચુંપણી સાંજ સુધીમાં મોકલી આપે છે. એ લીંબુ ચૂંપણીથી દિલ્હી રવાના થાય છે.
દિલ્હીમાં વીડિયો કોલિંગથી લીંબુની લાઇવ હરરાજી થાય છે
માથકના ખેડૂતો જણાવે છે કે, અમે જે માલ કેરેટમાં ગોઠવી મોકલીએ તેના કેરેટમાં વાડી માલિકનું નામ હોય છે. અને સાથે તમામ ખેડૂતોના નામનું લિસ્ટ જાય છે. દિલ્હીમાં દરેક ખેડૂત વાઇઝ લીંબુના કેરેટની હરરાજી થાય છે એ સમયે વીડિયો કોલિંગ ચાલું કરાય છે. જેના માધ્યમથી જે તે ખેડૂતને હરરાજી સમયે જ ખ્યાલ આવી જાય છે કે તેના માલના શું ભાવ આવ્યા? દરેક ખેડૂતના માલ સામે નામજોગ હરરાજી ભાવ લખાય છે અને વેચાણ ચૂકવણીના નાણા લખાય છે. જે ગાડીઓ ચુંપણી પરત આવે તેની સાથે જ દરેક ખેડૂતનો હિસાબ આવી જાય છે. કાગદી લીંબુ ઉપરાંત બી વગરના સીડલેસ લીંબુની જાતનો ખેડૂતોએ પ્રયોગ કર્યો હતો પરંતુ તે કાગદી લીંબુ જેટલા સક્સેસ નથી. આ લીંબુનો રસ પાછળથી તૂરો - કડછો લાગે છે. જે રસોઇ કે શરબતમાં કોઇને ગમતો નથી આથી તે વાવેતર સૌ કોઇએ પડતું મુકી દીધું છે.
હળવદ તાલુકામાં, એપલ બોર કેરી અને જામફળનો પણ મોટો કારોબાર
આ પંથકમાં ફકત લીંબુ જ નહીં સરગવો, એપલ બોર, જામફળ, કેરીનો પણ મોટો કારોબાર છે. શિવપુરમાં સરગવાના અડધા લાખ જામફળના 20,000, એપલ બોરના 5,000 જેટલા ઝાડ છે. ચુંપણીમાં આંબાના અનેક ઝાડ છે. આ પંથકમાં નર્મદા કેનાલ અવતરણ થાય તો ખેડૂતો ઇઝરાયેલને પણ ભૂલાવી દે તેવા મહેતનક્શ છે.