ધીમી ધારે વરસેલા વરસાદથી ઠંડક પ્રસરી , મણિનગરમાં બે,સરખેજ-વાસણામાં સવા ઈંચ વરસાદ વરસતા હાંશકારો

અમદાવાદ,શુક્રવાર,22
ઓગસ્ટ,2025
અમદાવાદમાં શુક્રવારે અસહય ઉકળાટ પછી વાતાવરણમાં પલટો આવતા
ધીમી ધારે વરસેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.સવારના ૬થી રાતના ૮ કલાક
સુધીમાં મણિનગરમાં બે, સરખેજ
અને વાસણા વિસ્તારમાં સવા ઈંચ વરસાદ વરસતા લોકોએ હાંશકારો અનુભવ્યો હતો.પૂર્વમાં
આવેલા ચકુડીયા, ઓઢવ અને
વસ્ત્રાલ સહીતના વિસ્તારમાં પોણો ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. રાતના ૮ કલાક
સુધીમાં સરેરાશ ૧૩.૯૫ મિલીમીટર વરસાદ થતા મોસમનો કુલ ૩૦.૫૦ ઈંચ વરસાદ વરસ્યો હતો.
બપોરે બે કલાકના સુમારે કાળા ડીબાંગ વાદળો અને બફારા વચ્ચે
શહેરના નવા વાડજ,પાલડી,વાસણા,સરખેજ સહીતના
અનેક વિસ્તારમાં વરસાદની શરુઆત થઈ હતી. શુક્રવારનો વરસાદ શહેરીજનો માટે રાહતરુપ
સાબિત થયો હતો.કેમકે થોડા થોડા સમયના અંતરે અલગ અલગ વિસ્તારમાં હળવો વરસાદ વરસી
રહયો હતો. પૂર્વના વિરાટનગર,રામોલની
સાથે ચાંદખેડા,ગોતા અને
સાયન્સ સિટી વિસ્તારમાં પણ હળવો વરસાદ વરસતા લોકોએ બદલાયેલા મોસમના મિજાજની મજા
માણી હતી. એક તરફ આકાશમાં કાળા ડિબાંગ વાદળો,
વરસી રહેલા વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં વીઝીબીલીટીમાં ઘટાડો થતા
વાહન ચાલકોને વાહન ચલાવવામાં સાવચેતી રાખવી પડી હતી.વાસણા બેરેજ ખાતે પાણીનુ લેવલ
૧૨૭.૫૦ ફુટ નોંધાયુ હતુ. બેરેજના ગેટ નંબર-૨૫ને ૦.૫ ફુટ તથા ગેટ નંબર-૨૬થી ૩૦ને
૧.૫ ફુટ જેટલા ખોલાયા હતા.
કયાં કેટલો વરસાદ?
વિસ્તાર વરસાદ(મિ.મી.)
ચકુડીયા ૨૨
ઓઢવ ૨૩
વિરાટનગર ૨૧
રામોલ ૨૧
પાલડી ૧૬
વાસણા ૩૩
ચાંદખેડા ૧૧
ગોતા ૧૧
સાયન્સસિટી ૧૧
સરખેજ ૩૬
બાકરોલ ૧૫
દાણાપીઠ ૧૯
મેમ્કો ૧૮
હંસપુરા ૧૪
મણિનગર ૫૦
વટવા ૧૮
લાંભા ૨૦
સરેરાશ ૧૩.૯૫
કુલ(ઈંચમાં) ૩૦.૫૦








