વડોદરાના વાડી વિસ્તારમાંથી પસાર થતાં રૂપારેલ કાંસની સફાઈ 10 વર્ષથી થઈ નથી
Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં પ્રિમોન્સૂનની કામગીરી ચાલી રહી છે. જેમાં શહેરના વાડી વિસ્તારમાં પસાર થતાં રૂપારેલ કાંસના ભાગની સફાઈ હજી થઈ નથી. વરસાદ આવશે તો શું થશે તેની વિસ્તારના રહીશોને ચિંતા થઈ રહી છે.
વાડી વિસ્તારમાં આવેલા વૈભવ કુંજ અને પાર્વતી કુંજ પાસેથી પસાર થતાં રૂપારેલ કાંસની સફાઈ અંગે રહીશોએ જણાવ્યું હતું કે છેલ્લા દસ વર્ષથી આ કાંસની સફાઈ થઈ નથી. ઝાડી ઝાખરા ઊગી નીકળ્યા છે, તે જોઈને જ કોઈ પણ કહી શકે કે સફાઈ થઈ નથી. વચ્ચે બે વખત મશીન આવેલા પરંતુ કશું થયું હોય તેમ લાગતું નથી. દર વખતે ચોમાસામાં થોડો વરસાદ પડે ત્યારે આ કાંસમાંથી પાણીનો પ્રવાહ વહેતો નથી, જેના કારણે આજુબાજુની સોસાયટીઓ અને મકાનોમાં પાણી ઘૂસી જાય છે. બબ્બે ત્રણ-ત્રણ ફૂટ પાણી ભરાઈ જાય છે. કાંસમાં ડ્રેનેજના કનેક્શન જોડેલા હોવાથી ગટરનું પાણી પણ તેમાં વહે જ છે. પાણી બંધીયાર હોવાથી મચ્છરોનો ખૂબ ત્રાસ છે. સાંજ પડતા ઘરના બારી બારણા બંધ કરી દેવા પડે છે અને તેના કારણે રોગચાળાનો પણ સતત ભય રહે છે. કાંસ ખુલ્લો હોવાથી તેમાં કુતરા બકરા પડે છે, તે અહીંના લોકો જ બહાર કાઢે છે .અહીંની પરિસ્થિતિ જાણવા માટે કોઈ ચૂંટાયેલો પ્રતિનિધિ આવતો નથી. દર વખતે ચૂંટણી આવે ત્યારે મોટા વાયદા કરવામાં આવે છે કે સફાઈ કરી દેવામાં આવશે, પરંતુ ત્યારબાદ રાજકારણીઓ બધું ભૂલી જાય છે. હાલ વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત નદી ઉપરાંત તળાવ અને વરસાદી ગટરોની તેમજ વરસાદી કાંસોની સફાઈ થઈ રહી છે, ત્યારે આ રૂપારેલ કાંસની જે ભાગની સફાઈ બાકી છે તે તાત્કાલિક કરાવવા રહીશોએ માગણી કરી છે.