સુરત પાલિકાની ચૂંટણી નજીક આવતા હવે શાસકો તંત્રને પાણીના બીલ યાદ આવ્યા : ઉકેલ લાવવા કવાયત
Surat Corporation : સુરત મહાનગર પાલિકાની આગામી ચૂંટણીમાં પાલિકાના પાણીનો બિલ વિવાદ મુદ્દો બની શકે તેમ છે. આ મુદ્દાના કારણે અનેક રહેણાંક સોસાયટીને મુશ્કેલી ઉભી થઈ શકે તેમ છે. પાલિકાએ નિયમિત બિલ મોકલવાના બદલે એક સામટા બિલ મોકલી દેતા લોકોએ મોટી રકમ ભરવી પડી શકે તેમ હોવાથી ભારે આક્રોશ છે. આ મુદ્દે ગત શનિવારે મુખ્યમંત્રી સુરત આવ્યા હતા ત્યારે આ અંગે ગંભીર રજુઆત કરવામાં આવી હતી. મુખ્યમંત્રીની ટકોર બાદ પાલિકા તંત્ર અને શાસકો દોડતા થયા છે. પાલિકા તંત્રની ભૂલનો ભોગ લોકો બની રહ્યા છે તેથી બિલ ઇસ્યુ કરવાની પ્રક્રિયા નિયમિત કઈ રીતે કરવી તે અંગે કવાયત શરૂ કરવામાં આવી છે.
સુરત પાલિકાની ચૂંટણી આગામી દિવસોમાં આવી રહી છે ત્યારે થોડા સમય પહેલાં સરકાર અને શાસકોને કતારગામ વિસ્તારની રહેણાંક સોસાયટીમાં મુકાયેલા રિર્ઝેશન યાદ આવ્યા હતા. અને સરકારમાં આ રિર્ધવેશન હટાવવા માંગણી કરી છે. દરમિયાન ગત શનિવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સુરત આવ્યા હતા તે સમયે પાલિકા દ્વારા મીટરથી પાણી અપાય છે પરંતુ તેના બિલ એક દોઢ વર્ષના એક સાથે આપવામાં આવ્યા છે તેના કારણે લોકોમાં આક્રોશ છે અને તેનો સામનો કોર્પોરેટર અને ધારાસભ્યોને કરવો પડી રહ્યો છે તેવી રજૂઆત કરવામાં આવી હતી. આ ગંભીર રજુઆત બાદ સમસ્યાનો હલ લાવવા મુખ્યમંત્રીએ મ્યુનિ. તંત્રને ખાસ સૂચના આપી છે તેથી તંત્ર દોડતું થઈ ગયું છે.
સુરત પાલિકા કમિશનર શાલિની અગ્રવાલની સૂચનાથી હાઈડ્રોલિક વિભાગના વડા નિધિ સિવાચની અધ્યક્ષતામાં ઝોનના વડા અને અન્ય અધિકારીઓની એક બેઠક મળી હતી. તેમાં બ્રેક થયેલ પાણી બીલ ઇશ્યૂ કરવાની સાયકલ કઇ રીતે ટ્રેક પર લાવવી? તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં ચર્ચા દરમિયાન બીલિંગ સાયકલ પ્રતિ બે માસïના બદલે કેટલાક કિસ્સાઓમાં એક-દોઢ વર્ષ સુધી વિલંબિત થઇ છે. પરિણામે સોસાયટી દ્વારા પણ પાલિકા તરફથી ફટકારવામાં આવેલા લાખો રૂપિયાના પાણી બીલોની ચૂકવણી કરવામાં આવતી નથી.
હાલ સ્થિતિ એવી છે કે પાલિકાની વોટર મીટર બિલ આપવાની કામગીરી અને વસુલાતની કામગીરી શિથિલ બની ગઈ છે. પાલિકાની વોટર મીટર બિલની રકમ 39 કરો છે તેની પર ત્રણેક કરોડ જેટલું વ્યાજ થઈ ગયું છે. પાલિકાએ બિલ મોડા મોકલ્યા અને મોટા બિલ હોવાથી લોકો ભરી શકતા નથી તેના પર વ્યાજ હોવાથી લોકોમાં ભારે રોષ છે. આ પહેલાં પણ વિવાદ અને લોકોના આક્રોશ બાદ હવે શાસકો આગામી દિવસોમાં રાહત આપવા માટે વિચારણા કરી રહી છે.
પાલિકાની ગંભીર બેદરકારી, રાંદેર, વરાછા-એ અને લિંબાયત ઝોનમાં હજી 100 ટકા બિલ મળ્યા નથી
સુરત પાલિકાએ મોટા ઉપાડે 24 કલાક પાણીની યોજના અને મીટરથી પાણી આપવાની યોજના તો જાહેર કરી દીધી છે. પરંતુ પાલિકાના આયોજનના અભાવે આ યોજનાથી લોકોને મુશ્કેલી થઈ રહી છે. પાલિકાએ દર બે મહિને બિલ લોકોને પહોચાડવાના હોય છે પરંતુ દોઢ થી બે વર્ષ સુધી મોકલ્યા નથી અને ત્યાર બાદ એક સામટા બિલ આપતા વિવાદ ઉભો થયો છે. પાલિકાના રાંદેર, વરાછા-એ અને લિંબાયત ઝોનમાં હજી 100 ટકા બિલ મળ્યા નથી.