Get The App

શાસકોનો મતિભ્રમઃ બજારમાં અને સ્વદેશી મેળામાં ચાઈનીઝ રોશની

Updated: Oct 16th, 2025

GS TEAM

Google News
Google News
શાસકોનો મતિભ્રમઃ બજારમાં અને સ્વદેશી મેળામાં ચાઈનીઝ રોશની 1 - image

જૂનાગઢ મનપાના ભાજપ શાસકોનાં બેવડાં ધોરણો સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનું નર્યું ગતકડું, મેળામાં ચાઈનીઝ વસ્તુનું વેંચાણ, શહેરની બજારોને પણ વિદેશી સિરીઝથી શણગારી

જૂનાગઢ, : જૂનાગઢ મહાપાલિકા દ્વારા એ.જી. સ્કૂલનાં ગ્રાઉન્ડમાં આયોજિત સ્વદેશી મેળાને લોકલ ફોર વોકલના સૂત્ર સાથે સ્થાનિક પદાધિકારીઓએ ખુલ્લો મુક્યો છે પરંતુ આ કહેવાતા સ્વદેશી મેળામાં ચાઈનાની અનેક વસ્તુઓ વેંચાઈ રહી છે તથા મેળામાં લાઈટિંગ માટે પણ ચાઈનાની સિરીઝ વાપરવામાં આવી છે. આ ઉપરાંત, શહેરના આઝાદ ચોક સહિતના વિસ્તારોમાં બજાર શણગારવામાં આવી તેમાં પણ ચાઈના મેઈડ લાઈટિંગ સિરીઝ મારવામાં આવી હોવાથી પ્રબુદ્ધજનો ટીકા કરી રહ્યા છે.

સ્વદેશી મેળાનો ઉદ્દેશ દેખીતી રીતે જ સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક ઉદ્યોગોને મજબુતી આપવાનો હોય છે. સાંસદ, મેયર, કમિશનર સહિતનાઓએ આ મેળાને ખુલ્લો મુક્યો છે. તેમાં અલગ-અલગ સખી મંડળ દ્વારા 30થી વધુ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે પરંતુ અનેક સ્ટોલમાં સ્વદેશીને બદલે વિદેશી ચીજવસ્તુઓનું વેંચાણ કરવામાં આવી રહ્યું છે. મેળામાં હાડકાના મસાજ માટેનું ચાઈનાનું મશીન, ચાઈનાનો દાતિયો, દીવડાઓ, સિરીઝ, અલગ-અલગ લાઈટિંગ, બાળકો માટે ચાઈનાની પાટી સહિતની અનેક ચીજવસ્તુઓનું વેંચાણ થઈ રહ્યું છે. મેળાને શણગારવા માટે સિરીઝ, છત્રી સહિતનું લાઈટીંગ કરવામાં આવ્યું છે તે પણ ચાઈનાની ચીજવસ્તુઓથી શણગારાયું છે.

બીજી તરફ, આઝાદ ચોકથી પંચહાટડી સુધી, માંગનાથ બજાર, મહાલક્ષ્મી સ્ટ્રીટ સહિતના અનેક વિસ્તારોમાં આવેલી મુખ્ય બજારોને લાઈટીંગથી શણગારવામાં વપરાયેલી સિરીઝો પણ ચાઈનાની છે. આ તમામ બજારોનું મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટર પાસે સુશોભન કરાવાયું છે. આ ઉપરાંત મજેવડી ગેઈટ સહિતના અનેક સ્થળે મનપાએ દિવાળીના કારણે લાઈટીંગ કર્યું છે તેમાં પણ ચાઈનાની સિરીઝો મારવામાં આવી છે. જૂનાગઢમાં અનેક વેપારીઓ તથા અનેક સંસ્થાઓએ આ વખતે વિદેશી વસ્તુઓને બદલે સ્થાનિક લેવલે તૈયાર થયેલી સિરીઝો વાપરી છે, જ્યારે ભાજપના પદાધિકારીઓ તથા મનપાના શાસકો લોકોને મોટા-મોટા ઉપદેશ આપે છે કે, 'વિદેશી વસ્તુઓને બદલે સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપો, લોકલ ફોર વોકલ, વિદેશી ચીજવસ્તુઓનો બહિષ્કાર કરો...' પરંતુ આવા અનેક ગતકડા કરી પોતે જ તેનો અમલ કરતા નથી. સ્વદેશી મેળો માત્ર નામનો જ છે, આ મેળો પરદેશી ચીજવસ્તુઓનો મેળો બની ગયો હોવાનો આક્ષેપ કર્યો છે.