Gujarat

જામનગરમાં પંચેશ્વર ટાવર રોડ પર મકાનની છત ધડાકાભેર તૂટી પડી

By GS TEAM
12 Jul 20252 mins read
જામનગરમાં પંચેશ્વર ટાવર રોડ પર મકાનની છત ધડાકાભેર તૂટી પડી

પંચહાટડી નજીક ખંભોત્રી ફળીમાં મકાનનું ડિમોલિશન : બનાવ પહેલાં મકાનમાં રહેતુ દંપતી નીકળી જતાં બચાવ થયો, : શહેરમાં જોખમી મકાનો દૂર કરવા કાર્યવાહી શરૂ

જામનગર, : જામનગરમાં પંચેશ્વર ટાવર રોડ પર વંડાફળી નજીક વાણંદ શેરીમાં શનિવારે બપોરના સમયે એક મકાનની છતનો હિસ્સો એકાએક ધસી પડયો હતો. જેમાં રહેતા માતા-પુત્રનો બચાવ થયો હતો, અને કોઈ જાનહાની થઈ ન હતી. શહેરમાં જૂના મકાનોનું ડિમોલિશન કરવાની કાર્યવાહીમાં ખંભોત્રી ફળીમાં બે માળના મકાનને પાલિકાએ પકડી પાડયું હતું.

 વાણંદ શેરીમાં રહેતા ધર્મિષ્ઠાબેન જગદીશગીરી ગોસાઈ અને તેનો પુત્ર શિવમગીરી જગદીશગીરી ગોસાઈ  મકાનમાં હાજર હતા, પરંતુ  છતનો હિસ્સો ધસી પડયો, ત્યાંથી થોડો સમય પહેલાં જ ખસી ગયા હોવાના કારણે તેઓનો બચાવ થયો હતો, અને કોઈ જાનહાનિ થઈ ન હતી.

વરસાદી સીઝનના કારણે છતનો ભાગ નબળો પડી ગયા પછી તેનો હિસ્સો ઘરમાં રાખેલા પલંગ અને તેની આજુબાજુમાં ઢગલો થઈને પડયો હતો. આ બનાવને લઈને આસપાસના લોકો પણ એકત્ર થઈ ગયા હતા. પરંતુ કોઈને ઈજા થઈ ના હોવાથી સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.

પાંચ હાટડી નજીક ખંભોત્રી ફળીમાં ડો. માંડવીયાના દવાખાનાની બાજુમાં જ આવેલું બે માળનું જૂનું મકાન જર્જરિત અવસ્થામાં હતું, અને તેમાં કોઈ રહેતું ન હતું. અને ઘણા સમયથી ખાલી પરંતુ અત્યંત જોખમી અવસ્થામાં હતું. જે અંગે જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખાને જાણ કરવામાં આવી હતી, જેથી સલામતીના ભાગરૂપે શનિવારે બપોરે એસ્ટેટ શાખાની ટુકડી ખંભોત્રી ફળીમાં પહોંચી ગઈ હતી, આસપાસ નો વિસ્તાર કોર્ડન કરાવી લીધા બાદ બે માળનું જોખમી મકાનનું ડિમોલેશન કરીને તોડી પાડયું હતું.