નડિયાદમાં મરીડા રોડની સોસાયટીના રસ્તા કાદવ અને પાણીથી ઉભરાયા

- કાચાના બદલે આરસીસી રોડ બનાવવા માંગણી
- વિદ્યાર્થીઓની હાલત કફોડી, 50 સોસાયટીઓના લોકો 1 કિ.મી. ફરીને જવા મજબૂર બન્યા
નડિયાદ શહેરમાં ચારે બાજુ નવી સોસાયટીઓનું નિર્માણ થઈ રહ્યું છે. નડિયાદ મરીડા રોડ ઉપર રીંગરોડ તેમજ એક્સપ્રેસ હાઈવે સુધી સંખ્યાબંધ સોસાયટીઓનું નિર્માણ થઈ રહ્યું છે. જેમાં મોટાભાગની સોસાયટીઓમાં ધૂળિયા રસ્તાઓ આવેલા છે. જેના કારણે હાલમાં ચોમાસાનો વરસાદ શરૂ થતાં મરીડા દરવાજાથી સ્પોર્ટ કોમ્પ્લેક્સ તરફ જતા રોડ ઉપર ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. ઉપરાંત મરીડા રોડ પર આવેલા સુલતાન પાર્ક, ઝીશાન પાર્ક જેહાન પાર્ક વગેરે સોસાયટીના રસ્તા ઉપર કાદવ કીચડનું સામ્રાજ્ય સર્જાયું છે. જેથી સોસાયટીના રહીશો ને અવાર-જવર કરવાની મુશ્કેલી ઊભી થઈ છે.
એટલું જ નહીં હાલમાં શાળાઓ શરૂ થઈ છે ત્યારે કાદવ કીચડના કારણે સ્કૂલ વર્ધીના વાહનો જઈ શકતા નથી જેના કારણે કેજી, નર્સરી તેમજ સ્કૂલમાં જતા બાળકો વિદ્યાર્થીઓને શૈક્ષણિક સંસ્થામાં જવાની મુશ્કેલી ઊભી થતા વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર થઈ રહી છે. આ વિસ્તારની સોસાયટીઓમાં મોટાભાગના કાચા રસ્તાઓ છે. આ સોસાયટીઓમાં આરસીસી રસ્તા બનાવવા અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં સ્થાનિક રહીશો હાલમાં એક કિલોમીટર જેટલું અંતર ફરીને અવરજવર કરવા મજબૂર બન્યા છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા સુલતાન પાર્ક સહિતની સોસાયટીઓમાં પાકા રસ્તાની સુવિધા પૂરી પાડવા આયોજન કરે તેવી માંગણી ઉઠી છે.








