Gujarat
ફતેગંજના રહીશોએ માર્ગની સમસ્યા અંગે મ્યુ.કમિશ્નરને રજૂઆત કરતા તાત્કાલિક પેચવર્ક કરાયું
By GS TEAM
11 Jul 20251 min read

ફતેગંજ મુખ્ય માર્ગ ઉપર ચાલતી ડ્રેનેજની કામગીરી તેમજ માર્ગ ઉપર ખાડા પડવાના કારણે થતી પરેશાની અંગે સ્થાનિકોએ મ્યુ. કમિશ્નરને રજૂઆત કરતા તેઓએ તાત્કાલિક ધોરણે પેચવર્કની કામગીરી શરૂ કરાવી લોકોને સમસ્યાથી આંશિક રાહત આપી હતી.
કોર્પોરેશન દ્વારા વોર્ડ નં.3માં સમાવિષ્ટ ફતેગંજ મુખ્ય માર્ગ ઉપર ડ્રેનેજ લાઈનની કામગીરી હાથ ધરાતા પાછલા સાત મહિનાથી એક તરફનો માર્ગ અવરજવર માટે બંધ છે. આ માર્ગ ઉપર ખાડા પડવાથી લોકોને હાલાકી થઈ રહી છે. અગાઉ સ્થાનિક રહીશોએ કામગીરી વહેલીતકે પૂર્ણ કરવા રજૂઆત કરી હતી. દરમ્યાન આજે મ્યુ. કમિશ્નર ફતેગંજ બ્રિજના ઇન્સ્પેક્શન અર્થે સ્થળ વિઝીટ કરતા રહીશોએ કોંગી કાર્યકર્તા રોનક પરીખની આગેવાનીમાં મ્યુ. કમિશ્નરને માર્ગની સમસ્યા અંગે ઉગ્ર રજૂઆત કરી હતી. કમિશનરનું કહેવું હતું કે, કોન્ટ્રાક્ટરે 11 મહિનાની કામગીરી 6 મહિનામાં પૂર્ણ કરી છે, ડિપાર્ટમેન્ટને સૂચના આપી છે કે, રોડ ક્લોઝર કરી પેચવર્ક કરવામાં આવે, ચોમાસા બાદ સમગ્ર માર્ગ ઉપર રી કાર્પેટીંગ કરી સમસ્યા દૂર કરાશે.








