Get The App

ભાવનગરમાં વડાપ્રધાનના રૂટનો રોડ નવો બની ગયો, અન્ય 20 થી વધુ રોડ બિસ્માર

Updated: Sep 17th, 2025

GS TEAM

Google News
Google News
ભાવનગરમાં વડાપ્રધાનના રૂટનો રોડ નવો બની ગયો,  અન્ય 20 થી વધુ રોડ બિસ્માર 1 - image


- મોટા નેતા આવવાના હોય તે જગ્યાએ જ ઝડપી કામ થાય, બાકીના કામોમાં ઠાગાઠૈયા 

- વાઘાવાડી, સંસ્કાર મંડળ, ભરતનગર, ઘોઘારોડ સહિતના રોડ 5-5 વર્ષ કરતા વધુ સમયથી નહીં બનાવાતા લોકો ત્રાહિમામ 

ભાવનગર : મોટા નેતા આવવાના હોય તે સ્થળ પર સરકારી તંત્ર ફટાફટ કામગીરી કરે છે, જયારે અન્ય જગ્યાએ કોઈ ધ્યાન દેવામાં આવતુ નથી, હાલ ભાવનગર શહેરમાં આવુ જ જોવા મળી રહ્યુ છે. ભાવનગર શહેરમાં વડાપ્રધાન આવવાના છે તેથી તેઓ જે રૂટ પરથી પસાર થવાના છે તે રૂટ પર રોડ નવા બનાવી નાખવામાં આવ્યા છે, જયારે અન્ય વિસ્તારમાં બિસ્માર રોડ યથાવત છે. 

ભાવનગર શહેરમાં આગામી શનિવારે ભારતના વડાપ્રધાન આવી રહ્યા છે, જેના પગલે એરપોર્ટથી મહિલા કોલેજ, ઘોઘાસર્કલ, રૂપાણી સર્કલથી જવાહર મેદાન સુધીના રોડ નવા બનાવવામાં આવ્યા છે અને સફાઈ, ડિવાઈડરને કલર કરવા, વૃક્ષ કર્ટીંગ સહિતની કામગીરી ઝડપી કરવામાં આવી રહી છે, જયારે શહેરના ર૦ થી વધુ રોડ બિસ્માર હાલતમાં લાંબા સમયથી છે છતાં કોઈ પગલા લેવામાં આવતા નથી. વાઘાવાડી, ભરતનગર, ઘોઘારોડ, તખ્તેશ્વર પોલીસ ચોકીથી સંસ્કાર, ટોપ થ્રી સર્કલથી અધેવાડા રોડ, દુઃખીશ્યામ બાપા સર્કલથી ભરતનગર તરફનો રોડ, ભરતનગરથી ઘોઘા જકાતનાકા રોડ, ઘોઘા જકાતનાકાથી સુભાષનગર રોડ, સરદારનગરથી ઘોઘા જકાતનાકા રોડ, રસાલા કેમ્પ, સંસ્કાર મંડળથી સરદારનગર, સર તખ્તસિંહજી હોસ્પિટલ પાસેના રોડ, જશોનાથ સર્કલ, ચિત્રા-ફુલસર, કુંભારવાડા, ધોબી સોસાયટીથી સતનામ ચોક તરફ જવાનો રોડ, પાનવાડી રોડ સહિતના રોડ ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યા છે. 

શહેરમાં કેટલાક કામ ગોકળગતીએ ચાલી રહ્યા છે, જયારે કેટલાક રોડ પ-૫ કરતા વધુ સમયથી બન્યા નથી તેમજ કેટલાક રોડ ડ્રેનેજ લાઈન અને પાણીની લાઈન નાખવા ખોદી નાખવામાં આવ્યા છે. ખરાબ રોડના પ્રશ્ને મહાપાલિકાને લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવતી હોય છે પરંતુ તંત્ર દ્વારા માત્ર ડામરના થીગડા મારી સંતોષ માનવામાં આવે છે. મહાપાલિકાની બેવડી નીતિ લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને લોકો હાલ મહાપાલિકાની ખુબ જ ટીકા કરી રહ્યા છે. 

વડાપ્રધાનના રૂટની જેમ અન્ય રોડ પણ તત્કાલ બનાવવા જોઈએ : મહાપાલિકાના વિપક્ષના નેતા 

ભાવનગર શહેરમાં વડાપ્રધાન આવી રહ્યા છે અને તેઓ જે રૂટ પરથી પસાર થવાના છે તે રોડ સારા બનાવવામાં આવ્યા છે. આ રોડનુ કામ અધ્યક્ષ સ્થાનેથી સ્ટેન્ડિંગ કમિટિમાં મંજૂર કરવામાં આવેલ છે, જયારે અન્ય વિસ્તારમાં ખુબ જ ખરાબ રોડ છે. પ્રજા વેરો ભરે છે ત્યારે તમામ રોડ તત્કાલ બનાવવા જોઈએ. લોકો રોડ બનાવવા રજૂઆત કરીને થાકી જાય છે છતાં રોડ બનાવવામાં આવતા નથી તેમ મહાપાલિકાના કોંગ્રેસના વિપક્ષના નેતા જીતુભાઈ સોલંકીએ જણાવેલ છે. 

રોડના પ્રશ્ને સોશિયલ મીડિયા પર મહાપાલિકાની ટીકા 

ભાવનગર શહેરમાં ઘણા રોડ બિસ્માર છે અને આ બાબતે લોકોએ ફરિયાદ પણ કરી હોય છે છતાં બનાવવામાં આવતા નથી, જયારે વડાપ્રધાન આવી રહ્યા છે ત્યારે રોડ સહિતના કામ ફટાફટ થઈ રહ્યા છે તેથી લોકો સોશિયલ મીડિયા પર મહાપાલિકાની ટીકા કરી રહ્યા છે છતાં મહાપાલિકાના અધિકારીઓના પેટનુ પાણી હલતુ નથી. 

પેચવર્કની કામગીરી શરૂ છે, ડામર રોડના કામ ચોમાસા બાદ કરાશે : કાર્યપાલક ઇજનેર 

ભાવનગર શહેરમાં રોડ ખરાબ છે તેમજ ફરિયાદ મળી રહી છે ત્યાં પેચવર્કની કામગીરી કરવામાં આવી રહી છે તેમજ આરસીસી રોડના કામ પણ શરૂ છે, જયારે ડામર રોડના આશરે ૧પ થી વધુ કામ ચોમાસા બાદ શરૂ કરવામાં આવશે, જેમાં વાઘાવાડી રોડ, કુંભારવાડાથી દશનાળા રોડ, નિલમબાગથી જશોનાથ સર્કલ રોડ, વૈશાલી રોડ, ઘોઘા જકાતનાકાથી શીતળા માતાજીના મંદિર તરફનો રોડ વગેરે કામનો સમાવેશ થાય છે. ટોપ થ્રી સર્કલ, વાલ્કેટ ગેટથી ટેકરી ચોક, સંસ્કાર મંડળ રોડ વગેરે કામ હાલ શરૂ છે તેમ મહાપાલિકાના કાર્યપાલક ઇજનેર હિતેશ ચૌધરીએ માહિતી આપતા જણાવેલ છે. 

Tags :