Gujarat

સાવરકુંડલામાં જાહેરનામાની મુદ્દત પૂર્ણ છતાં અઢી મહિનાથી રસ્તો બંધ!

By GS TEAM
4 Jul 20252 mins read
સાવરકુંડલામાં જાહેરનામાની મુદ્દત પૂર્ણ છતાં અઢી મહિનાથી રસ્તો બંધ!

નાવલી પોલીસ ચોકીથી ભુવા રોડ પુલ સુધી તંત્રની ગંભીર લાપરવાહી : S.T બસોને બાયપાસ થઇને જવું પડતું હોવાથી મુસાફરોની અડધી કલાક અને વધારાના ભાડાનાં રૂા. 5-10 રૂપિયાનો વેડફાટ

 સાવરકુંડલા, : સાવરકુંડલા શહેરમાં ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની  દ્વારા રોડ અને ગટરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું, જેને લઈને નાવલી પોલીસ ચોકીથી ભુવા રોડ પુલ સુધીના રસ્તા પર વાહનોની અવરજવર બંધ કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જે તા. 21-03-2025 થી તા. 19-04-2025 સુધી અમલમાં રહેવાનું હતું, જેના આધારે એસ.ટી. બસો અને અન્ય મોટા વાહનોને સાવરકુંડલા બાયપાસ રોડ (જેસર રોડથી અમરેલી રોડ) થઈ ફરવાની સૂચના આપવામાં આવી હતી. જે રસ્તાનું કામ  અને જાહેરનામું પુરૂં થઇ ગયું છે, પણ રસ્તો હજુ ચાલુ કરાયો નથી. 

 આ રસ્તો હજુ પણ બેરીકેટથી બંધ રાખવામાં આવ્યો છે, જેના કારણે એસ.ટી. બસોને બાયપાસ રોડ થઈ ફરવું પડે છે. આનાથી મુસાફરોને અડધો કલાકનો વધારાનો સમય અને બે રેલવે ફાટકનો સામનો કરવો પડે છે, ઉપરાંત લોકલ બસોમાં રૂા. 5 અને એક્સપ્રેસ બસોમાં રૂા. 9નો ભાડા વધારો લાગુ કરવામાં આવ્યો છે, જે છેલ્લા 15 દિવસથી અમલમાં છે. પરિણામે, મુસાફરોની માંગ છે કે નાવલી પોલીસ ચોકીથી ભુવા રોડ પુલ સુધીનો રસ્તો તાત્કાલિક ખુલ્લો કરવામાં આવે, જેથી બાયપાસની અગવડ અને ભાડા વધારાનો બોજ ઘટે. એસ.ટી. તંત્ર અને વહીવટી તંત્રની આ બેદરકારીથી સ્થાનિક લોકોમાં રોષ ફેલાઈ રહ્યો છે.

75 દિવસમાં એસ.ટી. તંત્રને 7.25 લાખનું નુકસાન

અમરેલી એસ.ટી. વિભાગીય નિયામક સોલંકીએ જણાવ્યું કે, જો ડાયવર્ઝન 60 દિવસથી વધુ સમય ચાલે તો સ્ટેજ અને કિલોમીટરના આધારે ભાડું વધારવામાં આવે છે. આ વધારો નિર્માણ કાર્ય પૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે. જોકે, નાવલી બજારનો રસ્તો ખુલ્લો ન થવાને કારણે એસ.ટી. તંત્રને નોંધપાત્ર આર્થિક નુકસાન થઈ રહ્યું છે. સાવરકુંડલા ડેપોની 72 બસો દરરોજ અપ-ડાઉન કરે છે, જેમાં દરરોજ 72 લિટર ડીઝલ વધુ વપરાય છે, જેનો ખર્ચ આશરે રૂા. 7,000 થાય છે. આ ઉપરાંત, આઉટ ડેપોની 45 બસોને દરરોજ રૂા. 4.500નો વધારાનો ખર્ચ થાય છે. આમ, 75 દિવસના સમયગાળામાં એસ.ટી. તંત્રને અંદાજે રૂા. 7,25,000નું આર્થિક નુકસાન થયું છે, જેનો બોજ આખરે જનતા પર પડી રહ્યો છે.