- ચૂંટાયેલા પ્રતિનિધિઓની ઈચ્છા શકિતના અભાવે
- કિકરીયા પાસેનું નાળુ પણ જોખમી, ગ્રામજનો આંદોલનના મૂડમાં
આજથી વર્ષો પૂર્વે જિલ્લા તંત્ર દ્વારા મોટા ખુટવડાથી દુધાળાનો માર્ગ બનાવાયો હતો જેની હાલત હાલ અત્યંત ખરાબ થઈ ગઈ છે. આ રસ્તા પર વાહન ચલાવવુ જાણે કે રણની રેતીમાં ચાલતા હોય તેવો અનુભવ થઈ રહ્યો છે. આ રસ્તામાં કયાંય ડામરનું નામોનિશાન રહ્યુ નથી.તાલુકાના ગ્રામજનોને પરસ્પર સાંકળતો આ માર્ગ હોય સૌ કોઈને તેની ખાસ આવશ્યકતા રહેતી હોય છે. તેમ છતાં તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યુ હોય તેમ કશુ કામ ધ્યાને લેતા નથી. આ માર્ગ પર મોટા ખુંટવડા અને કિકરીયા ગામ વચ્ચે આવેલ એક નાળુ ખૂબ જોખમી છે. જયાં વન વે જેવી સ્થિતી છે. તેમ છતાં લાંબા સમયથી સત્તાધીશોની નજર પડતી જ નથી. જાણે કે, આ રસ્તા પરથી કોઈ અધિકારીઓ કે ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ પસાર થતા નહિ હોય તેવુ લોકોને લાગી રહ્યુ છે. જો તંત્ર વહેલી તકે આ બાબતે યોગ્ય કાર્યવાહી હાથ નહિ ધરે તો સ્થાનિક લોકોને આંદોલનના મંડાણ કરવાની ફરજ પડશે તેવુ લોકમુખે ચર્ચાઈ રહ્યુ છે.


