નડિયાદના મરીડા ભાગોળથી રિંગ રોડ સુધીનો રસ્તો બિસ્માર બન્યો
- દર બે વર્ષે બનાવાતો રોડ ટકતો જ નથી
- વરસાદી પાણીના નિકાલ માટે લાઈન નાખવાના બદલે વારંવાર રોડ નિર્માણ પાણ કરોડોનું આંધણ
નડિયાદના રસ્તાઓની બિસ્માર હાલત શહેરના વિકાસના દાવાઓની પોલ ખૂલી ગઈ છે. મરીડા ભાગોળથી રીંગ રોડ સુધીના રસ્તાનું દર બે વર્ષે લાખો રૂપિયાના ખર્ચે સમારકામ કરવા છતાં ટકી શકતો નથી. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે રસ્તો બિસ્માર બની રહ્યો છે. ત્યારે સમસ્યાના કાયમી નિરાકરણ માટે પાણીના નિકાલની લાઈન નહીં નાખી તંત્ર રોડનું વારંવાર નિર્માણ કરી કરોડો રૂપિયાનું આંધણ કરી રહ્યું છે. આ રસ્તા પરથી રોજ ૮ ગામના પાંચ હજારથી વધુ વાહન ચાલકો પસાર થાય છે. ત્યારે સુવિધા મળવાના બદલે વાહન ચાલકો સહિત સ્થાનિકો હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે.
મોટા ખાડાંના કારણે ટ્રાફિક ધીમો પડતા ચક્કાજામની સ્થિતિ સર્જાય છે. રાતે પૂરતી લાઈટિંગ ન હોવાથી ખાડાંઓ નહીં દેખાતા અકસ્માતનો ભય રહેલો છે. ત્યારે ત્વરિત સમસ્યાનું નિરાકરણ લાવવામાં માંગણી ઉઠી છે.