નાની માછંગને જોડતો માર્ગ ધોવાઇ ગયો ડભોડા-વડોદરા વચ્ચેનો કોઝ વે જોખમી
ભારે વરસાદમાં દહેગામની હાલત બગડી
દહેગામ તાલુકામાં બે કાચા મકાન ધરાશયી ઃ એક પશુનું મોતઃનાની માછંગના માર્ગનું સમારકામ હાથ ધરાયું
ગાંધીનગર જિલ્લામાં દહેગામ તાલુકામાં વરસાદથી નુકસાની થવાના
સમાચાર વધુ સાંભળવા મળી રહ્યા છે. અહીં વરસાદ પણ અન્ય તાલુકા કરતા વધુ પડયો છે
તેવી સ્થિતિ વચ્ચે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારે વરસાદમાં નાની માછંગનો એક માત્ર
માર્ગ ધોવાઇ ગયો હતો અને અહીંથી વાહન લઇને કે ચાલતા પસાર થવું જોખમી બન્યું હતું
જેના પગલે કલેક્ટરની સુચનાથી પ્રાંત અધિકારી અને કાર્યપાલક ઇજનેરની ટીમ દ્વારા
વરસતા વરસાદમાં આ માર્ગનું સમારકામ કરવામાં આવ્યું હતું.તો ખારી નદી ઉપરનો કોઝ વે
પણ ઓવરફ્લો થઇ ગયો છે જેના કારણે ડભોડા-વડોદરા વચ્ચે અવર-જવર ખુબ જ જોખમકારક બની છે
ત્યારે અહીં ગાર્ડ મુકવા પણ સ્થાનિકોની માંગ છે.
ભારે વરસાદને કારણે મોટી માછુંગ તથા સાહેબજીના મુવાડા ખાતે
એક-એક કાચા ઘર પડી જવાના બનાવો નોંધાયા છે ત્યારે દહેગામના બારિયા ગામ ખાતે એક
પશુનું મોત થયું હોવાનું પણ સરકારે ચોપડે નોંધાયું છે.