બાજવા-કરોડિયાને જોડતો માર્ગ ખખડધજ : નાગરિકોનો અનોખો વિરોધ
ખાડાની પૂજા કરી ફટાકડાં ફોડીને ખખડધજ માર્ગનું રીબીની કાપી લોકાર્પણ કર્યું
શહેરના કેટલાક વિસ્તારમાં માર્ગ પરના ખાડાની સમસ્યાથી જનતા પરેશાન છે. ત્યારે બાજવા- કરોડિયાને જોડતો માર્ગ ખખડધજ બનતા લોકોએ ખાડાની પૂજા કરી ફટાકડા ફોડી ખખડધજ માર્ગનું લોકાર્પણ કરી અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
બાજવા-કરોડિયાને જોડતો મુખ્ય માર્ગ લાંબા સમયથી ખાડાઓને કારણે ખખડધજ હાલતમાં છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓ ત્રસ્ત થઈ ગયા છે. રિફાઇનરી ટાઉનશીપમાંથી બાજવા-કરોડિયાને જોડતા આ માર્ગ પર લોકોએ આજે ખાડાની પૂજા કરી, ફટાકડાં ફોડીને ખખડધજ માર્ગનું રીબીન કાપી લોકાર્પણ કર્યું હતું. તેઓનું કહેવું હતું કે, માર્ગ પર મોટા ખાડા અને ટેકરા થઈ ગયા છે. લાઈટનો અભાવ હોવાથી રાત્રે અકસ્માતનો ભય વધી ગયો છે. ડ્રેનેજ લાઈન નાખ્યા બાદ રસ્તાનું સમારકામ કરાયું જ નથી. આ માર્ગનો ઉપયોગ રોજ મોટી સંખ્યામાં લોકો કરે છે, જો એક મહિનામાં સારો રસ્તો તૈયાર નહીં થાય તો વોર્ડ નં. 8 ના અધિકારીને ચપ્પલનો હાર પહેરાવીને વિરોધ કરવામાં આવશે. તાજેતરમાં ગાજરાવાડી વિસ્તારમાં પણ ખાડાની પૂજા કરી નાગરિકોએ તંત્રને ઊંઘમાંથી જગાડવાનો પ્રયાસ કર્યો હતો.