દિહોરથી વરલ વચ્ચેનો રસ્તો તદ્દન બિસ્માર, વાહનચાલકો ત્રાહિમામ
- 15 થી 20 ગામના લોકોને ભારે હાલાકી છતાં તંત્ર અને રાજકીય નેતાઓનું મૌન
- ચોમાસા પૂર્વે 6 કિ.મી.નો રસ્તો નવો બનાવવા ગ્રામજનોની
તળાજાના દિહોરથી વરલ વચ્ચેનો છ કિ.મી.નો રસ્તો તદ્દન બિસ્માર થઈ ગયો છે. આ સીંગલપટ્ટી રોડ પર ઠેક-ઠેકાણે મોટા-મોટા ખાડા પડી ગયા છે. રોડની બન્ને સાઈડ તૂટી જતાં મોટી કટ પડી ગઈ છે. ભારે વાહનોની સતત અવર-જવર રહેતી હોય, કપચીના ઢગ ખડકાયા છે. જેના કારણે હાલતમાં તો જાણે રોડનું નામોનિશાન જ રહ્યું ન હોય તેવું લાગી રહ્યું છે. આ રસ્તો દિહોર અને આસપાસના ૧૫થી ૨૦ ગામના લોકોનું હટાણા માટે વાહન વ્યવહારનું કેન્દ્ર છે. ટાણા, સિહોર, રાજકોટ, બરવાળા અને ગઢડા તાલુકા સાથે જોડતો આ રસ્તો ખૂબ જ મહત્ત્વનો છે. તેમ છતાં રસ્તાની મરામત પ્રત્યે દુર્લક્ષતા સેવાઈ રહી છે. સરકારી ચોપડે ૧૫ જૂનથી ચોમાસુ શરૂ થઈ જશે. ત્યારે ચોમાસાને આડે હવે માંડ એક મહિના જેટલો સમય બાકી રહ્યો હોય, વર્ષાઋતુ દરમિયાન વાહનચાલકોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડે તે પહેલા સીંગલપટ્ટી રસ્તાને ડબલપટ્ટી કરી નવો બનાવવા ગ્રામજનો, વાહનચાલકોની માંગણી છે.