Gujarat

સિહોરના ગૌતમેશ્વર તળાવની રણક્ષ દિવાલ તૂટેલી, કેમેરા બંધ

By GS TEAM
12 Nov 20251 min read
સિહોરના ગૌતમેશ્વર તળાવની રણક્ષ દિવાલ તૂટેલી, કેમેરા બંધ

- તળાવમાં ડૂબવાથી મોતની ઘટનાઓ છતાં તંત્ર બેદરકાર

- જવાબદાર કર્મચારી સામે પગલા ભરી સસ્પેન્ડ કરવા માંગ કરાઈ

સિહોર : સિહોરના ગૌતમેશ્વર તળાવમાં ડૂબી જવાથી અપમૃત્યુની ચિંતાજનક ઘટનાઓ બનતી હોવા છતાં નગરપાલિકા તંત્ર ઘોર બેદરકારી દાખવી રહ્યું હોય, જેની સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સિહોરનું ગૌતમેશ્વર તળાવ આ વર્ષે શ્રીકાર વર્ષાના કારણે ઓવરફ્લો છે. તળાવમાં પાણી છલોછલ હોવાથી સમયાંતરે તેમાં ડૂબવા કે પડતું મુકવાથી લોકોના મોત થઈ રહ્યા છે. તેમ છતાં નગરપાલિકા તંત્ર કે શાસક પક્ષ દ્વારા આવી ઘટનાઓને રોકવા માટે કોઈ ઉચિત પગલા ભરાતા નથી. અહીં ઉલ્ટી ગંગા વહેતી હોય તેમ ગૌતમેશ્વર તળાવની રક્ષણ દિવાલ તૂટી ગયેલી હોવા છતાં પણ રિપેરીંગ કરવામાં આવતી નથી. કોઈ ચોકીદાર નથી, સીસીટીવી કેમેરા પણ બંધ હાલતમાં છે. બે દિવસ પહેલા ગૌતમેશ્વર તળાવમાંથી કોળી સમાજની એક દીકરીનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે આ બાબતે અખિલ ભારતીય યુવા કોળી  સમાજના પ્રમુખ દ્વારા ચીફ ઓફિસર, પ્રમુખ, કલેક્ટર, પ્રાદેશિક કમિશનરને લેખિતમાં રજૂઆત કરી ઘોર બેદરકારી દાખવનાર સબંધિત વિભાગના કર્મચારી સામે પગલા ભરી સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી.