રાજકોટ જિલ્લા જેલની ફાંસી ખોલીની હેરીટેજ તરીકે જાળવણી કરાઈ રહી છે
ગુજરાતમાં છેલ્લી ફાંસી 127 વર્ષ જૂની જેલમાં અપાઈ હતી ગુજરાતનાં જેલ તંત્ર પાસે ફાંસી આપનાર જલ્લાદ નથી, ફાંસી પૂર્વે આરોપીનાં વજનનું પૂતળું બનાવી ટ્રાયલ થતી
રાજકોટ, : અમદાવાદમાં વર્ષ 2008માં થયેલા સિરિયલ બ્લાસ્ટમાં ગઈકાલે 38 દોષીઓને ફાંસી આપતો ઐતિહાસિક ચૂકાદો આપવામાં આવતા ગુજરાતમાં છેલ્લે રાજકોટની જેલમાં ત્રિપલ હત્યાનાં આરોપીને ફાંસી આપવામાં આવી હતી તે ઘટના તાજી થઈ છે. 33 વર્ષ પહેલા ગુજરાતમાં છેલ્લી ફાંસી આપવામાં આવી એ રાજકોટની જિલ્લા જેલ 127 વર્ષ જુની છે. રાજકોટની આ જેલમાં આવેલ ફાંસી ખોલીની હાલ હેરીટેજ તરીકે નિભાવ અને જાળવણી કરવામાં આવી રહી છે.
રાજકોટની જિલ્લા જેલમાં 1989માં આરોપી વેરાવળના શશિકાંત માળીને ફાંસી આપવામાં આવી હતી. તા. 17-10-1980નાં રોજ તેના પર બે વર્ષની બાળકી સહિત ત્રણની હત્યાનો આરોપ હતો. રાજકોટમાં જયારે શશિકાંત માળીને ફાંસી આપવામાં આવી ત્યારે તેને ફાંસી આપવા પૂનાથી જલ્લાદને બોલાવવામાં આવ્યો હતો. હાલ રાજકોટ કે ગુજરાતનાં જેલ તંત્ર પાસે જલ્લાદ નથી. આવા કેસમાં મહારાષ્ટ્ર અથવા તો ઉતરપ્રદેશથી જલ્લાદને બોલાવવામાં આવે છે. ફાંસી આપવાની એક ચોકકસ પ્રક્રિયા અને નિયમો હોય છે. ફાંસી આપતી વખતે કોઈ અવરોધ ન આવે તે માટે આરોપીનાં વજન જેટલુ એક પૂતળુ બનાવીને ટ્રાયલ કરાય છે.દોરડાને પણ ઓઈલ લગાવવામાં આવતુ હોય છે.
રાજકોટની જિલ્લા જેલમાં ગુજરાતમાં છેલ્લી ફાંસી આપવામાં આવી હતી. હાલ જેલમાં આ જુની ફાંસી ખોલી છે. રાજકોટ જિલ્લા જેલ અધિક્ષકનાં જણાંવ્યા મુજબ જિલ્લા જેલમાં એક નાની ચાલીની અંદર બાદ ફાંસી ખોલી છે અને તેને મોટા ભાગે બંધ જ રાખવામાં આવે છે. સરકારની સુચના મુજબ હેરીટેજનાં રૂપમાં ફાંસી ખોલીની જાળવણી કરવામાં આવી રહી છે તેના માટે કોઈ અલગથી સ્ટાફ નથી. વર્ષો પહેલાની જે સ્થિતિમાં છે તે મુજબ જ રાખવામાં આવી છે. રાજકોટમાં પોપટપરા વિસ્તારમાં આવેલી જેલ રાજવીનાં સમયની છે. રાજકોટ જિલ્લા જેલ તંત્ર પાસે ફાંસી આપનાર જલ્લાદ નથી.