Gujarat

જે પોષતુ તે મારતુ ઉકિત સાર્થક થઈ, થલતેજ ઓકિસજન પાર્કના પચાસ ટકાથી વધુ વૃક્ષો પાણીના અભાવે સુકાયા

By GS TEAM
7 Apr 20262 mins read
જે પોષતુ તે મારતુ ઉકિત સાર્થક થઈ, થલતેજ ઓકિસજન પાર્કના પચાસ ટકાથી વધુ વૃક્ષો પાણીના અભાવે સુકાયા

અમદાવાદ,મંગળવાર,7 એપ્રિલ,2026

અમદાવાદના થલતેજ વોર્ડમાં ચાર વર્ષ અગાઉ ઓકિસજન પાર્કનું કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા લોકાર્પણ કરવામા આવ્યુ હતુ. માત્ર ચાર જ વર્ષના સમયમાં આ પાર્કના પચાસ ટકાથી વધુ વૃક્ષો પાણીના અભાવે સુકાઈ ગયા છે.આઘાતજનક બાબત એ છે કે, જે વૃક્ષો સુકાઈ ગયા છે.તેના ભાગનો પાર્કમાં જ બળતણ તરીકે ઉપયોગ કરાઈ રહયો છે.ગાર્ડન વિભાગની આંખ સામે જ આ સ્થિતિ થઈ છે.મિશન મિલીયનના નામે કરવામા આવતા કરોડોના આંધણ પછી પણ એક ઓકિસજન પાર્કની આ હાલત છે તો શહેરના અન્ય ઓકિસજન પાર્કની સ્થિતિની તો કલ્પના જ કરવી રહી.

૭ સપ્ટેમ્બર-૨૨ના દિવસે થલતેજ વોર્ડમાં  પી.પી.પી. ધોરણે તૈયાર કરવામા આવેલા ઓકિસજન પાર્કનુ લોકાર્પણ કરવામા આવ્યુ હતુ.મિયાવાંકી પધ્ધતિથી લગાવવામા આવેલા ૮૮ હજાર વૃક્ષ પૈકી પચાસ ટકા પાણી ના મળવાના કારણે સુકાઈ ગયા છે. મળતી માહિતી મુજબ, સાન્વી નિર્માણ નામની જે એજન્સીને કામગીરી આપવામા આવી હતી તેણે સમય મર્યાદા પુરી થતા પાર્કની દેખરેખ રાખવાનુ બંધ કરી દીધુ છે.છ મહિનાથી કોઈ પણ માળી દ્વારા પાણી આપવામા આવ્યુ નથી.ઓકિસજનપાર્કમા જ મોટી સંખ્યામાં વૃક્ષો કાપીને કાર્બન ડાયોકસાઈડ પાર્ક બનાવી દેવામા આવ્યો છે.મિશન મિલીયનના નામે પ્રસિધ્ધિ લેનારા કોર્પોરેશનના ગાર્ડન વિભાગ તરફથી આ પ્રકારની બેદરકારીના કારણે કયાં અને કેટલા વૃક્ષો સુકાઈ ગયા અથવા તો કાપી નાંખવામા આવ્યા એનો કોઈ હિસાબ રાખવામા આવતો નથી.આ ઓકિસજન પાર્કમાં ઘણાં સમયથી સફાઈ પણ કરવામા આવી નથી.પાર્કમાં મુકવામા આવેલા ડસ્ટબિન પણ કચરાથી ભરેલા પડેલા છે.બાળકોને રમવા માટેના સાધનો પણ ધૂળ ખાઈ રહયા છે.આ પાર્કમાંથી ગેરકાયદે પાણીના કનેકશન આસપાસના બિલ્ડરો દ્વારા લેવામા આવ્યા હોવાનુ ચર્ચાઈ રહયુ છે.આ પાર્કના ઝાંપા ઉપર છ મહિનાથી વધુ સમય સુધી તાળુ લટકતુ જોવા મળ્યુ હતુ.લોકોના ટેકસના નાણાંની કેમ બરબાદી કરવી એ બાબતમાં તંત્ર માહેર બની ગયુ છે.