જે પોષતુ તે જ મારતુ ઉકિત સાર્થક થઈ, સાત વર્ષમાં બાર હજાર વૃક્ષ કપાવ્યા હવે અમદાવાદને ગ્રીનર બનાવાશે

અમદાવાદ,શુક્રવાર,18
જુલાઈ,2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સાત વર્ષમાં વિવિધ
પ્રોજેકટના ઓઠા હેઠળ બાર હજાર ઘટાદાર વૃક્ષોનું નિકંદન કઢાવ્યુ છે.હવે અમદાવાદને
ગ્રીનર અમદાવાદ બનાવવા અર્બન ગ્રીનીંગ પોલીસી બનાવી તેનો અમલ કરાવવા સ્ટેન્ડિંગ
કમિટીની બેઠકમાં તાકીદની દરખાસ્ત મંજુર કરાઈ છે.છેલ્લા બે વર્ષમાં ૭૦ લાખ
રોપાં-વૃક્ષ વાવવા પાછળ રુપિયા સો કરોડથી પણ વધુનો ખર્ચ થયો છે.આમ છતાં શહેરીજનોને
નથી શુધ્ધ હવા મળતી કે નથી મહત્તમ તાપમાનમાં ઘટાડો થતો. કોર્પોરેશને જે પોષતુ તે
મારતુ ઉકિત સાર્થક કરી બતાવી છે.
વર્ષ-૨૦૧૧થી અમદાવાદના ગ્રીન કવરમાં વધારો કરવા દર વર્ષે
મ્યુનિસિપલ કોર્પોરેશન કરોડો રૃપિયાનો ખર્ચ કરે છે. ઓકિસજન પાર્ક, બાયોડાયવર્સિટી
પાર્ક જેવા રૃપાળા નામ પણ અપાય છે. કડવી વાસ્તવિકતા એ છે કે, છેલ્લા સાત
વર્ષમાં કોર્પોરેશને પોતે મેટ્રો રેલ પ્રોજેકટ, ફલાયઓવરબ્રિજ બનાવવા કે પછી આઈકોનિક રોડ બનાવવા માટે બાર હજારથી
પણ વધુ વર્ષો અગાઉ વાવવામા આવેલા વૃક્ષોનો સોથ વાળી દેવડાવ્યો છે. આ ઉપરાંત છેલ્લા
પાંચ વર્ષમાં કોર્પોરેશનની મંજુરી લીધા વિના શહેરના વિવિધ વિસ્તારમાં ત્રણ હજારથી
પણ વધુ વૃક્ષો કાપી નાંખવામાં આવ્યા છે.હવે રહી રહીને અર્બન ગ્રીનીંગ પોલીસીનો અમલ
કરાવી શહેરના ગ્રીન કવરમાં વધારો કરવા પ્રયાસ કરાશે.
શહેરમાં રેઈન ગાર્ડન,
રુફટોપ ગાર્ડન, લેક
ગાર્ડન, અર્બન
ફોરેસ્ટ,ઈકોલોજીકલ
પાર્ક ગ્રીન પોલીસી અંતર્ગત બનાવવા આયોજન કરાશે. નવી ટાઉન પ્લાનિંગ સ્કીમ અંતર્ગત
દરેક ટી.પી.સ્કીમના કુલ વિસ્તારમાંથી ઓછામા ઓછા પાંચ ટકા વિસ્તાર ગ્રીન કવર માટે
ફાળવવો પડશે.એક ટકા વિસ્તારમાં મિયાવાંકી પદ્ધતિથી અર્બન ફોરેસ્ટ વિકસાવાશે.શહેર
માટે અર્બન ગ્રીનીંગ એડવાઈઝરી કમિટીની રચના કરાશે.જેમાં અર્બન પ્લાનર ઉપરાંત
પર્યાવરણ નિષ્ણાત, બિલ્ડર
એસોશિએશન,ચેમ્બર
ઓફ કોમર્સ, સ્વૈચ્છીક
સંસ્થાઓના પ્રતિનિધિઓની દર મહીને બેઠક બોલાવી શહેરને ગ્રીનર બનાવાશે.નોંધનીય બાબત
એ છે કે, કોર્પોરેશને
પાંચ વર્ષમાં શહેરમાં રોપેલા રોપા,વૃક્ષો
પૈકી કયા વિસ્તારમાં કેટલા જીવીત છે એ અંગે કોઈ બોલવા જ તૈયાર નથી. આ વર્ષે ૪૦ લાખ
પૈકી હજુ સુધી ૧૦ લાખ રોપા જ રોપી શકાયા છે.
કોર્પોરેશને કયા વર્ષમાં કેટલા વૃક્ષ કાપ્યા
વર્ષ વૃક્ષની
સંખ્યા
૨૦૧૭-૧૮ ૧૦૬૮
૨૦૧૮-૧૯ ૨૨૪૩
૨૦૧૯-૨૦ ૩૧૪૩
૨૦૨૦-૨૧ ૧૦૦૩
૨૦૨૧-૨૨ ૮૭૧
૨૦૨૨-૨૩ ૧૨૦૦
૨૦૨૩-૨૪ ૧૪૧૬
અન્ય લોકોએ કેટલા વૃક્ષ કાપ્યા
વર્ષ વૃક્ષની
સંખ્યા
૨૦૧૭-૧૮ ૭૩૯
૨૦૧૮-૧૯ ૭૭૮
૨૦૧૯-૨૦ ૬૭૦
૨૦૨૦-૨૧ ૫૬૨
૨૦૨૧-૨૨ ૫૪૯
એરપોર્ટ રોડ આઈકોનિક બનાવવા એક હજાર વૃક્ષ કાપી નંખાયા
દોઢ વર્ષ અગાઉ અમદાવાદના એરપોર્ટ રોડ ઉપર હાંસોલ સર્કલથી ઈન્દિરા બ્રિજ સુધી રુપિયા 35
કરોડથી વધુના ખર્ચથી આઈકોનિક રોડ બનાવાયો હતો. આ રોડને આઈકોનિક રોડ બનાવવા
કોર્પોરેશને વન વિભાગની નર્સરીમાં ઉગાડેલા વૃક્ષો સહીત રોડની બંને તરફ આવેલા એક
હજાર વૃક્ષો કાપી નંખાવ્યા હતા.
પાંજરાપોળ ફલાય ઓવર બ્રિજ માટે ૮૦ ઘટાદાર વૃક્ષો મુળથી
ઉખેડી નંખાયા
પાંજરાપોળ જંકશન ઉપર ફલાય ઓવરબ્રિજ બનાવવા માટે કોર્પોરેશને
પોતેજ પોલીટેકનીકથી આઈ.આઈ.એમ. સુધી રોડની
બંને તરફ પચાસથી પણ વધુ વર્ષ જુના ૮૦ ઘટાદાર વૃક્ષો મુળથી ઉખેડી નંખાવ્યા હતા.








