- 16 જાન્યુઆરીએ તાપી જિલ્લામાં સુમુલ ડેરી ખાતે નેતાઓ, મંડળી, દૂધ ઉત્પાદકો, ખેડૂતોનો મેળાવડો
સુરત
એકબાજુ ભાજપના ધારાસભ્ય, નેતા, કાર્યકરો એક પછી એક કોરોનામાં સપડાય રહ્યા છે. ને બીજી બાજુ કોરોનાએ પીકઅપ પકડયો હોવાથી આગામી 16 મી તારીખે બાજીપુરા ખાતે કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રીની ઉપસ્થિતિમાં યોજોનારા સહકાર સંમેલનને લીલીઝંડી મળતા જ આજે સુમુલ ખાતે વ્યવસ્થા અને આયોજન માટે બેઠક યોજાઇ હતી.
આગામી 16 મી જાન્યુઆરીના રોજ તાપી જિલ્લાના બાજીપુરા ખાતે કેન્દ્રીય ગૃહ- સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં સહકાર સંમેલન યોજાવા જઇ રહ્યુ છે. હાલમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. અને ભાજપના નેતાઓ પણ એક એક કરીને કોરોનામાં સપડાઇ રહ્યા છે. આ કાર્યક્રમને કોરોનાનું ગ્રહણ નડશે કે કેમ ? તેવી ચર્ચા હતી.
પરંતુ આજે આ કાર્યક્રમ યોજવા માટે લીલીઝંડી મળતા જ સુમુલ ખાતે મંત્રીઓ, માજી મંત્રીઓ, સુમુલ, ડિસ્ટ્રીકટ બેન્કના હોદેદારો, સુરત તાપી જિલ્લાના ભાજપ પ્રમુખ તેમજ સંગઠનના હોદેદારો મળી ભાજપની આખી ફૌજ સુમુલ ખાતે હાજર રહી સંમેલનની રણનીતિ ઘડી કાઢી હતી. આ સંમેલનમાં સુરત-તાપી સહિત દક્ષિણ ગુજરાતની 6,000 મંડળીઓના હોદ્દેદારો, દુધ ઉત્પાદકો, ખેડુતો મળીને મોટી સંખ્યામાં જનમેદની એકઠી કરવાનો ટાર્ગેટ રખાયો છે.


