ગુજરાતી ફિલ્મ 'ધુંઆધાર' નામે ઠગાઈનો કેસ, 22 જૂને હાજર થવા કોર્ટનો આદેશ
રાજેશ ઠક્કર તેમના પત્ની પૂર્ણિમા ઠક્કર, જયેશ પાવરા અને નીમિષ રવાણી સામે નિરવ શાહે કેસ દાખલ કર્યો
લોકો પાસેથી એક કરોડનું ફંડ લઈને ફિલ્મ બનાવી પણ કોરોનાના કારણે એક વરસ સુધી ફિલ્મ રિલીઝ ના થઈ શકી
pixabay |
અમદાવાદઃ નોટબંધી પહેલા ગુજરાતી ફિલ્મો પૂરબહારથી બનવા માંડી હતી. ત્યાર બાદ ફિલ્મો બનવાની ઓછી થઈ ગઈ હતી. પરંતુ ઘણી ફિલ્મો એવી હતી જેને દર્શકોનો સારો પ્રતિસાદ મળતો હતો. જેથી ફિલ્મ નિર્માતાઓ ફિલ્મ બનાવવા માટે તત્પર રહેતા હતાં. અમદાવાદમાં કોરોનાના લોકડાઉન પહેલા 'ધુંધાધાર' ફિલ્મ બની હતી. જે કોરોનાને કારણે એક વરસ સુધી ફિલ્મ રીલિઝ થઈ શકી નહોતી. પરંતુ કોરોના બાદ તે રિલીઝ થઈ હતી. હવે આ ફિલ્મના નામ પર જે શખ્સોએ અમુક ફંડ ઉઘરાવ્યુ હતું તેને પરત નહીં કરવાના આરોપ હેઠળ કોર્ટમાં કેસ દાખલ થયો છે. આ સંદર્ભે કોર્ટે 22 જૂને હાજર થવા આદેશ કર્યો છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે 2019માં જ્ઞાનસૂર્યા એન્ટરટેઈન્મેન્ટ એન્ડ ઈવેન્ટ્સ પ્રા. લિ. ના રાજેશ ભોગીલાલ ઠક્કરે ફિલ્મ બનાવવા માટે લોકો પાસેથી એક કરોડ રૂપિયાનું ફંડ લીધું હતું. જેમાં તેમણે 2019માં નિરવ શાહ પાસેથી 10 લાખ રૂપિયા લીધા હતાં. આ પૈસા ફિલ્મ રિલિઝ થયા બાદ પરત આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો. પરંતુ કોરોના કાળ આવી જતાં લગાવવામાં આવેલા લોકડાઉનના કારણે ફિલ્મ રીલિઝ થઈ શકી નહોતી. પરંતુ ફિલ્મ રિલીઝ થયા બાદ પણ તેમણે પૈસા પાછા નહોતા આપ્યા. નિર્માતાએ લોકોના પૈસા પાછા આપવામાં પણ ઠાગાઠૈયા કર્યા હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે. નિરવ શાહે અનેક વખત માથાકૂટ કર્યા બાદ રાજેશ ઠક્કરે 6 લાખ રૂપિયા પાછા આપ્યા હતાં. પરંતુ બીજા ચાર લાખ પરત નહોતા આપ્યા. જે વારંવાર માંગવા છતાંય તેમણે પરત નહોતા કર્યા.
આ કેસમાં અન્ય રાજેશ ઠક્કર તેમના પત્ની પૂર્ણિમા ઠક્કર, જયેશ પાવરા અને નીમિષ રવાણી હતાં. આ નિર્માતાઓમાં હાલમાં જયેશ પાવરાએ પાવરા પ્રો. પ્રા. લિ નામની અલગ કંપની ઉભી કરી દીધી છે અને રાજેશ ઠક્કરની તમામ ફિલ્મના રાઈટ્સ લઈ લીધા હોવાનું પણ સુત્રો જણાવી રહ્યાં છે. સુત્રોએ એવું પણ જણાવ્યું છે કે, રાજેશ ઠક્કર હાલ વિદેશ પલાયન થઈ ગયાં છે. તેમણે જલ્સાઘર, વિંગ્સ ઓફ ફ્રિડમ, તુ કહી દેને પ્રેમ છે. આવી અનેક ફિલ્મો બનાવી છે. નિરવ શાહે પૈસા પાછા નહીં મળતાં અમદાવાદમાં અપના બજાર ખાતે આવેલ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો છે. આ કેસમાં કોર્ટે ફિલ્મના ચારેય નિર્માતાઓને 22મી જૂને કોર્ટમાં હાજર થવા આદેશ કર્યો છે.