વડોદરા: એકતાનગરમાં હજુ પણ સમસ્યા યથાવત, ડ્રેનેજના મુદ્દે લોકોનો હોબાળો

વડોદરા, તા. 22 નવેમ્બર 2021 સોમવાર
વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલી એકતાનગર વસાહતમાં હજુ પણ સમસ્યા યથાવત જોવા મળી છે. વારંવાર ઉભરાતા ડ્રેનેજના દુર્ગંધ મારતા દૂષિત પાણીના પગલે રહીશો પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે. સમસ્યાના નિરાકરણ માટે તંત્ર દ્વારા નવી ડ્રેનેજ લાઈન નાખ્યા બાદ સમસ્યા વધુ વકરી હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે. ત્યારે પાલિકાના આયોજન સામે પણ સવાલો ઉભા થયા છે.
વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલા એકતાનગરમાં પ્રાથમિક સુવિધાના મુદ્દે અવારનવાર સ્થાનિક રહીશો અવાજ ઉઠાવી રહ્યા છે. કુંભકર્ણની નિંદ્રા સમાન મોડે મોડે જાગતી પાલિકા પાસે ચોક્કસ આયોજનનો અભાવ જોવા મળે છે. છેલ્લા ઘણા વર્ષોથી પીવાનું પાણી હોય કે પછી ડ્રેનેજની લાઈન હોય સ્થાનિકો તંત્ર વિરુદ્ધ અવાર નવાર આક્રોશ પ્રદર્શિત કરે છે.
વર્ષો જૂની ડ્રેનેજ લાઇનના પગલે અવારનવાર લાઈન ચોકઅપ થવાની બૂમો ઉઠતા તંત્ર દ્વારા તાજેતરમાં જ નવી ડ્રેનેજ લાઈન કાર્યરત કરવામાં આવી છે. જોકે આ નવી ડ્રેનેજ લાઇનના પગલે અગાઉ કરતાં સમસ્યા વધુ વકરી હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા છે.
સ્થાનિકોએ તંત્રનું ધ્યાન દોરવા રજૂઆત કરી હતી કે, કમલાનગર તરફથી આવતું પાણી ડ્રેનેજ લાઇનમાં બેક મારી રહ્યું છે. વારંવાર ઉભરાતા દૂષિત પાણીના પગલે વિસ્તારમાં દુર્ગંધની સાથે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. ઘરોમાંથી પણ દૂષિત પાણી બેક મારતા બીમારીના વાવરનો ભય સતાવે છે. જેથી કાયમી ધોરણે તંત્ર સમસ્યાનું નિરાકરણ કરે તે જરૂરી છે.

